જયપુર : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભુપેન્દ્ર યાદવે આજે નોટબંધીને મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ તરીકે ગણાવીને કહ્યું હતું કે, આના કારણે ટેક્સ ચુકવનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપ હેડક્વાર્ટર પર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, નોટબંધી સૌથી મોટી સિદ્ધિ તરીકે છે. નોટબંધીના કારણે ટેક્સ ચુકવનાર લોકોની સંખ્યા બે ગણી થઇ છે. દેશમાં લાખોની સંખ્યામાં બેનામી બોગસ કંપનીઓ બંધ થઇ છે.
અનેક બેંક કાયદાઓ સરકાર લઇને આવી છે જેથી દેશમાં વેપાર માટે માહોલ સર્જાયો છે. કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓને રજૂ કરતા તેમણે કહ્યું હતું કે, અમારી સામાજિક ન્યાયની યોજના ખુબ મહત્વપૂર્ણ રહી છે. સમાજના તમામ વર્ગોને સાથે લઇને ચાલવાનો હેતુ છે. સબકા સાથ સબકા વિકાસનો મંત્ર વર્ષોથી રહેલો છે. દેશના સાંસ્કૃતિક જીવન મૂલ્યોને આગળ વધારવા માટે અમારી પાર્ટીએ રામ મંદિરના વિષયને પ્રતિબદ્ધતાની સાથે તમામની વચ્ચે મુક્યો છે.
કાશ્મીર ઉપર જનસંઘના સમયથી કલમ ૩૭૦ અને ૩૫એના સંદર્ભમાં અમારુ વલણ બિલકુલ સ્પષ્ટ છે. કોંગ્રેસની ન્યાય યોજના અંગે વાત કરતા યાદવે કહ્યું હતું કે, ત્રણ પેઢીઓથી કોંગ્રેસે ગરીબ કલ્યાણ અને ગરીબી દૂર કરવાની વાત કરી છે પરંતુ કોઇ ફાયદો થયો નથી. રાજસ્થાનમાં ભાજપ તમામ ૨૫ બેઠકો પર જીત મેળવશે.