નવીદિલ્હી : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે સવારમાં જ લોકોએ મતદાન કરવાની તૈયારી કરી હતી. જેથી સવારમાં જ મોટા ભાગના મતદાન મથકો પર મતદારોની લાંબી લાઇન લાગી હતી. સવારમાં નવ રાજ્યોને આવરી લેતી ૭૧ સીટ પર મતદાનની શરૂઆત થતાની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે તેમના ભાવિ ૨૩મી મેના દિવસે જ જાણી શકાશે. ચોથા તબક્કામાં જ્યાં મતદાન આજે યોજાઇ રહ્યુ છે તેમાં બિહારની પાંચ સીટો દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરનો સમાવેશ થાય છે.
રાજસ્થાનની જે ૧૩ સીટો ઉપર મતદાન થઇ રહ્યુ છે તેમાં સવાઈમાધોપુર, અજમેર, પાલી, જાધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસંમન, ભિલવાડા, કોટા, ઝાલાવાડ-બારનનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની પણ ૧૩ સીટો ઉપર આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. ઉત્તરપ્રદેશમાં જ્યાં મતદાન થઇ રહ્યુ છે તેમાં શાહજહાંપુર, ખેરી, હરદોઈ, ઉન્નાવ, ફરુકાબાદ, ઇટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલોન, ઝાંસી અને હમીરપુરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ૧૭ સીટો ઉપર મતદાન થઇ રહ્યુ છે જેમાં મુંબઈની સીટો પણ સામેલ છે. મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ-વેસ્ટ, મુંબઈ નોર્થ-ઇસ્ટ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ સાઉથની સીટ ઉપર પણ મતદાન શરૂ થઇ ચુક્યુ છે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની પ્રતિષ્ઠા પણ મુંબઇ અને મહારાષ્ટ્રમાં દાવ પર લાગેલી છે. ચોથા તબક્કામાં જે ઉમેદવારોના ભાવિ મતદાનની સાથે જ ઇવીએમમાં સીલ થઇ ગયા છે તેમાં ૩૦૬ કરોડપતિ ઉમેદવારો સામેલ છે.
ચોથા તબક્કામાં મતદાન થયા બાદ જે દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે તેમાં કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહ, એએનયુના પૂર્વ લીડર કનૈયાકુમાર, પૂર્વીય કેન્દ્રયમંત્રી મિલિંદ મુરલી દેવરા, ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુનમુન સેન, સલમાન ખુરશીદ, બાબુલ સુપ્રીયો, પ્રિયા દત્ત, ઉપેન્દ્ર કુશવાહના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. ચોથા તબક્કાની ચૂંટણી માટેની તમામ તૈયારી પંચ દ્વારા પહેલાથી જ કરવામાં આવી હતી. મતદાનના ત્રણ તબક્કા પહેલાથી જ યોજાઈ ચુક્યા છે. ૩૦૨ બેઠકો પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ ૩૭૩ સીટો ઉપર મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ જશે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું. ત્યારબાદ ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.
ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. આજે ચોથા ચોથા તબક્કામાં મતદાન બાદ પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ત્રણ તબક્કાની જેમ ચોથા તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે.
આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે.ચોથા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી.ચોથા તબક્કાની ચૂંટણી પણ રોચક રહેશે.
લોકસભા ચૂંટણીમાં સોમવારે મતદાનની સાથે જ ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ત્યારબાદ બાકીની ૧૬૯ સીટ પર ધ્યાન કેન્દ્રિત થઇ જશે. આજે મતદાનની શરૂઆત થયા બાદ ઉત્તરપ્રદેશના કન્નોજમાં કેટલીક જગ્યાએ ઇવીએમમાં ખામી સર્જાઇ હતી. બંગાળમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. બીજ બાજુ બંગાળના જેમુઆ પોલિગ બુથ નંબર ૨૨૨ અને ૨૨૬ ઉપર કેન્દ્રિય સુરક્ષા દળો ન હોવાના કારણે મતદારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.