અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સેડાળા ગામે ગૌચરની, સરકારી અને તળાવની જમીનમાં માથાભારે અને સ્થાનિક તત્વો દ્વારા મોટાપાયે ગેરકાયદે અને અનઅધિકૃત દબાણો કરી દેવામાં આવતાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે.
જેની સુનાવણીમાં એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકાર, મહેસૂલ સચિવ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા જિલ્લા કલેકટર, સેડાળા ગામના સરપંચ અને અન્ય ૫૦ જેટલા શખ્સો વિરૂધ્ધ નોટિસ જારી કરી છે. ખુદ ગામના જ એક અભણ ખેડૂત દ્વારા ગામની ગૌચરની, સરકારી અને તળાવની મહામૂલી જમીન બચાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુહાર લગાવી છે, જેમાં કેટલીક ચોંકાવનારી અને આંકડાકીય માહિતી પણ રજૂ કરવામાં આવી છે. હાઇકોર્ટે કેસની હકીકતો ધ્યાનમાં લીધા બાદ સરકાર સહિતના સત્તાવાળાઓ સામે નોટિસ જારી કરી પ્રતિવાદી પક્ષકારો પાસેથી જવાબ માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી.
અરજદાર નશાજી ભુરાભાઇ રાજપૂત નામના ખેડૂત તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ ધારિત્રી પંચોલીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સને ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે, સેડાળા ગામનું કુલ પોપ્યુલેશન(વસ્તી) ૨૪૪૧ છે અને ગામમાં કુલ ૪૦૨ ઘરો છે. ગામમાં મહિલાઓની કુલ વસ્તી ૪૯.૧ ટકા છે જયારે ગામમાં અસાક્ષરતાનો દર ૪૬.૪ ટકા છે, જેમાં મહિલા સાક્ષરતાનો દર માત્ર ૧૬.૬ ટકા છે. સેડાળા ગામની દક્ષિણ બાજુએ પીપરળ ગામે જતાં રસ્તાની આજુબાજુમાં કેટલાક લોકોની જમીન આવેલી છે પરંતુ આ શખ્સો દ્વારા આ જાહેરરસ્તાની ઉપર જ ગેરકાયદે દબાણો કરી દેવાયા છે, જેના કારણે આખો રોડ સાંકડો અને હાલાકીભર્યો બની ગયો છે. સામાન્ય પબ્લીકને પણ આ રોડ પરથી ટ્રાફિકમાં ભારે અડચણ નડી રહી છે. આ જ પ્રકારે સેડાળાથી નજીક આવેલું નેનોલ ગામ જવાના રસ્તા પર પણ અન્ય કેટલાક આવા જ શખ્સોએ જાહેર રોડ પર જ આ પ્રકારે ગેરકાયદે દબાણો કરી દેવાયા છે.
જેના લીધે મુખ્ય રોડ સાંકડો થઇ ગયો છે અને પબ્લીક મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકવામાં હાલાકી ભોગવી રહી છે. સેડાળાથી તરૂઆ ગામ અને ઉધરાણા ગામે જવાના રોડ પર પણ કંઇક આવી જ સ્થિતિ છે અને આ રોડ પર પણ કેટલાક લોકોએ ગેરકાયદે દબાણો કરી લોકોની હાલાકી વધારી દીધી છે. એડવોકેટ ધારિત્રી પંચોલીએ કોર્ટનું ધ્યાન દોર્યું કે, સેડાળા ગામની જુદી જુદી ગૌચર જમીનો પર આ શખ્સો દ્વારા ગેરકાયદે દબાણો અને બાંધકામો કરી દેવાયા છે. આ સિવાય ગામનું સર્વે નંબર-૫૭૭ ખાતેના તળાવ પર અમુક લોકોએ અનઅધિકૃત અને ગેરકાયદે દબાણો ઉભા કરી દીધા છે અને તળાવની જમીનમાં ખેતી તરીકે ઉપયોગ કરે છે. સર્વે નં-૨૦૬ની જમીન જે સરકારી મનાય છે, તેની પર તો, કેટલાક લોકોએ આખી સ્કૂલ બાંધી દીધી છે. અરજદારે સ્થાનિક સરપંચથી માંડી સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત કરી પરંતુ કોઇ સત્તાવાળાઓ ઉપરોકત ગેરકાયદે અને અનઅધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા નથી અને તેથી અરજદારને હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. પીઆઇએલમાં ૫૦ જણાંના નામ સુધ્ધાં દર્શાવાયા છે.