અમદાવાદ : શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે. આઇએસઆઇએસએ ચર્ચમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ આત્મઘાતી હુમલામાં આતંકી આદિલનું નામ સામે આવ્યું છે. આદિલ ગુજરાતમાં પકડાયેલા આઇએસઆઇએસના બે શકમંદોના સંપર્કમાં હતો. તે અગાઉ ગુજરાત પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. થોડા સમય અગાઉ ગુજરાત પોલીસે શ્રીલંકાને તે વિશે માહિતગાર કર્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ, ગુજરાત એટીએસએ અગાઉથી જ શ્રીલંકા સરકારને સંભવિત વિસ્ફોટો અને હુમલા અંગે ચેતવ્યા હતા.
તાજેતરમાં, શ્રીલંકાના ચર્ચમાં થયેલા હુમલામાં ૨૫૦થી વધુ નિર્દોષોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસના એટીએસ દ્વારા શ્રીલંકાને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દોઢ વર્ષ અગાઉ ગુજરાત પોલીસે આઇએસઆઇએસ આતંકી સંગઠન સંદર્ભે એક ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પકડાયેલા શખ્સો આદિલ નામના શખ્સના સંપર્કમાં હતા. વોટ્સએપ ચેટમાંથી મળેલી માહિતીના આધારે આદિલ શ્રીલંકાને ટાર્ગેટ બનાવે તેવી માહિતી એટીએસને પ્રાપ્ત થઇ હતી. જે અંગે એટીએસે શ્રીલંકા સરકારને જાણ કરી હતી. આઇએસઆઇએસના આતંકીઓ શ્રીલંકામાં હુમલો કરાવે તેવી શંકા અગાઉ ગુજરાત પોલીસે વ્યક્ત કરી હતી.
હવે એશિયાના દેશોમાં આઇએસઆઇએસના સ્લીપરસેલ એક્ટિવ હોવાની થીયરી તમામ તપાસ એજન્સીઓ નકારી રહી નથી. શ્રીલંકા બ્લાસ્ટ બાદ ભારતની ટોચની સુરક્ષા એજન્સીઓ આતંકવાદી હુમલાના પ્લાન અને થીયરીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. શ્રીલંકા સરકારે ગુજરાત એટીએસની માહિતીને ગંભીરતાથી લઇ નક્કર કાર્યવાહી કરી હોત તો આજે કદાચ Âસ્થતિ કંઇક ઔર હોત. ગુજરાત એટીએસ અગાઉ આ પ્રકારે ઘણી મહત્વની માહિતી અને ઇનપુટ્સ અન્ય દેશો સાથે પણ શેર કર્યા છે અને તેથી જ આપણી પોલીસની કાબેલિયત, ઇનપુટ્સ અન્યો કરતાં ચઢિયાતા અને બહુ આધારવાળા સાબિત થાય છે.