નવીદિલ્હી : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈની તમામ છ સીટ પર આજે મતદાન યોજાશે જેથી મુંબઈમાં ભાજપ અને શિવસેનાની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે. મુંબઇમાં કેટલા ટકા સુધી મતદાન થાય છે તેના ઉપર પણ તમામની નજર રહેશે. મુંબઇની તમામ છ સીટ સહિત મહારાષ્ટ્રની કુલ ૧૭ સીટ પર મતદાન થશે જેમાં મુંબઈ, થાણે, કલ્યાણ, ભીવંડી, નાસિક, પાલઘર, માવલ, શિરડી, રત્નાગિરી, સિંદુદુર્ગ, શિરુર, ડિંડોરી, નંદુરબારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારના સંદર્ભમાં અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે.
ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં મુંબઈની છ સહિત ૧૭ સીટ પર મતદાન યોજાશે જેમાં જે ઉમેદવારો મેદાનમાં છે તેમાં ૨૮ ટકા ઉમેદવાર સામે ક્રિમિનલ રેકોર્ડ રહેલા છે. આજ કારણસર પાંચ બેઠકોને એલર્ટ જાહેર કરવામાં આવી છે. કલ્યાણ, મુંબઈ નોર્થઇસ્ટ, ધુલે અને માવલમાં એવા ઉમેદવાર છે જેમની સામે કેસ રહેલા છે. મુંબઈમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા પણ રહેલી છે.
ચોથા તબક્કામાં જે ઉમેદવાર છે તે પૈકી ૩૦૬ કરોડપતિ ઉમેદવાર ભાગ્ય અજમાવી રહ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં ૧૦૯ કરોડપતિ ઉમેદવાર છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા ઉમેદવારોની એફિડેવિટમાં ચકાસણી કરવામાં આવી ચુકી છે. આવતીકાલે ભાજપની પ્રતિષ્ઠા મુખ્યરીતે દાવ પર રહેશે. કારણ કે, ૨૦૧૪ની ચૂંટણીમાં ચોથા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ ૭૧ સીટ પૈકી ૪૫ ઉપર જીત મેળવી હતી. મોદી લહેર વચ્ચે વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ ૪૫ સીટો જીતીને કેન્દ્રમાં સ્થિતિ મજબૂત કરી હતી.