અમદાવાદ : ગુજરાતભરમાં ગરમીનો કાળો કેર જોવા મળી રહ્યો છે. ગુજરાતની રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તરત જ એકશન પ્લાનને અમલી કરી દેવામાં આવ્યો છે. ઈમરજન્સીના વધતા જતા કેસો વચ્ચે શહેરના તમામ અર્બન સેન્ટર પર ઓઆરએસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બાગ બગીચાઓના પણ રાત્રે ૧૧ સુધી ખુલ્લા રાખવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ આંગણવાડીના ઓઆરએસના પેકેટ પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ સ્ટોકના દર્દીઓને તરત સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરાઈ છે. એએમટીએસના તમામ બસ ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ શરૂ કરવામાં આવી ચુકી છે. બીઆરટીએસના બસ સ્ટેન્ડ ઉપર ઓઆરએસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકશન પ્લાન હેઠળ વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામ મજૂરો માટે ૧૨થી ૪ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાંધકામ મજૂરોનો સમય બપોરે ત્રણના બદલે ૪-૩૦ કરાયો છે. એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. બીજી બાજુ હેલ્થ સેન્ટરો પર અમ્યુકો દ્વારા ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવનાર છે.