નવી દિલ્હી : દેશભરમાં આગઝરતી ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને મધ્ય ભારતમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ગરમી ભારતમાં ૧૫ શહેરોમાં નોંધાઈ હોવાના અહેવાલ આવ્યા બાદથી તંત્ર દ્વારા પણ ગરમીથી બચવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે શુક્રવારના દિવસે મધ્ય ભારતમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો. ૧૫ શહેરોમાં સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. અલડોરાડો વેધર વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શુક્રવારના દિવસ મધ્ય ભારત અને આસપાસના વિસ્તારોમાં પારો સૌથી ઉંચે પહોંચી ગયો હતો. જેથી એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં ખરગોન ખાતે પારો ૪૬.૬૦ સુધી પહોંચી ગયો હતો. જ્યારે વિદર્ભમાં અકોલા ખાતે મહત્તમ તાપમાન ૪૬.૪ સુધી પહોંચ્યું હતું.
ગરમીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્રના નવ શહેરોમાં પારો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. વેબસાઈટની યાદીમાં જે ૧૫ શહેરોમાં શુક્રવારના દિવસે વિશ્વમાં સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. તેમાં મહારાષ્ટ્રમાંથી નવ, મધ્યપ્રદેશમાંથી ૩, ઉત્તરપ્રદેશમાંથી બે અને તેલંગાણામાંથી એક શહેરનો સમાવેશ થાય છે. નાગપુરમાં ૪૧.૨ સુધી પારો પહોંચ્યો હતો. વિશ્વમાં નવમાં સૌથી વધારે ગરમ વિસ્તાર તરીકે નાગપુર રહેતા તેની ચર્ચા જાવા મળી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આ શહેરમાં સૌથી ઉંચુ તાપમાન સિઝનમાં નોંધાયું હતું. વિદર્ભ પ્રદેશમાં અન્ય ક્ષેત્રોમાં પારો ૪૫ ડિગ્રીના આંકડાને પાર કરી ગયો હતો. અમરાવતીમાં ૪૫.૪, બ્રહ્માપુરમાં ૪૫.૮, ચંદ્રપુરાં ૪૫.૬ અને વરધામાં ૪૫.૭ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો.
ચંદ્રપુરના વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના કહેવા મુજબ કાળઝાળ ગરમીના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા છે. ગરમીના પ્રમાણમાં હજુ પણ વધુ વધારો થઈ શકે છે. આગામી પાંચ દિવસ સુધી તીવ્ર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિદર્ભ સહિત જુદા જુદા જિલ્લાઓમાં લોકોની હાલત કફોડી બનશે. અકોલા, અમરાવતી, ચંદ્રપુર, નાગપુર, યવાતમલ, વરધામાં પણ પારો ૪૫થી ઉપર પહોંચી ગયો છે. મહત્તમ તાપમાન ૪૫ થી ૪૭ ડિગ્રી સુધી પહોંચવાના સંકેત દેખાઈ રહ્યા છે. તીવ્ર હિટવેવની ચેતવણી આગામી બે દિવસ સુધી જારી કરવામાં આવી છે. નિષ્ણાત તબીબોનું કહેવું છે કે વધારે સમય સુધી ઉંચા તાપમાનમાં રહેવાની સ્થિતિમાં આરોગ્ય પર અસર થઈ શકે છે.
નવજાત શીશુ, મોટી વયના લોકો અને ક્રોનિક રોગ ધરાવતા લોકોને વધારે અસર થઈ શકે છે. તબીબોનું કહેવું છે કે આ સિઝનમાં વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.