સમસ્તીપુર : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બિહારના સમસ્તીપુરમાં આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વર્તમાન કેન્દ્ર સરકાર જે રીતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવ અને તેમના પરિવારનું અપમાન કરી રહી છે તેમને ફટકો આપી રહી છે તેને બિહારની પ્રજા ભુલશે નહીં. ૨૦૧૯ની ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે. સમસ્તીપુરમાં મહાગઠબંધનની સંયુક્ત રેલીમાં રાહુલ ગાંધીએ મોદી પર વચનોને પૂર્ણ નહીં કરવાનો આક્ષેપ કર્યો હતો.
મોદીએ બે કરોડ રોજગારનું વચન આપ્યું હતું પરંતુ આજે દેશમાં બેરોજગારોની સંખ્યા સૌથી વધારે છે. અમારી સરકાર આવતાની સાથે જ ન્યાય યોજના મારફતે જાદુ કરવામાં આવશે. દરેક ગરીબ પરિવારના ખાતામાં દર મહિને ૬૦૦૦ રૂપિયા મોકલવામાં આવશે. વર્ષના ૭૨ હજાર રૂપિયા ખાતામાં પહોંચાડવામાં આવશે. રાહુલે કહ્યું હતું કે, નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા છે. આ લોકો વિદેશમાં આરામથી રહે છે. ચોકીદારને આપની ચિંતા નથી. મોદીને માત્ર ૧૫ અમીર
લોકોની ચિંતા છે. ગરીબોને પણ મદદ કરવાની જરૂર દેખાઈ રહી છે. સર્જિકલ સ્ટ્રાઇકના બહાને મોદી સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, પાંચ વર્ષમાં તો મોદીએ કોઇ વાત કરી ન હતી પરંતુ આવી સ્થિતિમાં તેમની પાસે હવે કહેવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જ મુદ્દો રહ્યો છે. અમારી સરકાર આવશે ત્યારે અમે પણ એક સર્જીકલ સ્ટ્રાઇક કરીશું પરંતુ આ સ્ટ્રાઇક ગરીબી ઉપર રહેશે. આગામી પાંચ વર્ષની અંદર ગરીબીને દેશમાંથી દૂર કરાશે. બીજી બાજુ આરજેડીના નેતા તેજસ્વીએ કહ્યું હતું કે, દેશને રાહુલ ગાંધી જેવા યુવા દૂરદર્શી નેતાની જરૂર છે જે વડાપ્રધાન પદ માટે વધારે યોગ્ય છે.