નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ૧૯મી મે સુધી પીએમ નરેન્દ્ર મોદી પરની બાયોપિક ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકવાના ચૂંટણી પંચના આદેશમાં કોઇ દરમિયાનગીરી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે ઇન્કાર કરી દેતા આ ફિલ્મની રજૂઆતને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે કહ્યું છે કે, ચૂંટણી પંચના આદેશને પડકાર ફેંકતી નિર્માતા નિર્દેશકોની અરજીમાં સુનાવણી કરવાનો કોઇ અર્થ રહેતો નથી. ચૂંટણી પંચ તરફથી પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે જેથી તેમાં દરમિયાનગીરી કરી શકાય નહીં.
ફિલ્મના નિર્માતા નિર્દેશકો દ્વારા ચૂંટણી પંચના આદેશને પડકાર ફેંકીને અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બનેલી બેંચે આ મુજબનો આદેશ કર્યો હતો. ફિલ્મ નિર્માતા તરફથી ઉપÂસ્થત રહેલા વકીલે કહ્યું હતું કે, ચૂંટણી પંચનો આદેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને આપવામાં આવેલી મંજુરીનો ભંગ કરે છે. આ મુદ્દો જેથી સુપ્રીમ કોર્ટમાં લઇને અમે આવ્યા છીએ. બીજી બાજુ ચૂંટણી પંચે હોબાળો થયા બાદ ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. ચૂંટણી પંચે બાયોપિકના સંદર્ભમાં ટોપ કોર્ટમાં ૨૨મી એપ્રિલના દિવસે રિપોર્ટ સુપરત કરી દીધો તો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ફિલ્મના કારણે ચૂંટણી પ્રક્રિયા ઉપર અસર થઇ શકે છે. આચારસંહિતા અમલી હોવાથી આ ફિલ્મની રજૂઆત યોગ્ય રહેશે નહીં. પોલ પેનલે તેના ૨૦ પાનાના અહેવાલમાં કહ્યું હતું કે, બાયોપિકમાં ફિલ્મ નિર્માતાઓ દ્વારા એક વ્યક્તિગતને ખુબ ઉંચો દરજ્જા આપ્યો છે. આ ગાળા દરમિયાન ફિલ્મની રજૂઆત આચારસંહિતાના ભંગ સમાન છે. કોઇ ખાસ રાજકીય પક્ષની તરફેણ પણ કરે છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ ફિલ્મમાં એવા કેટલાક સીન છે જેમાં વિરોધ પક્ષને ભ્રષ્ટાચારી તરીકે દર્શાવીને તેની પ્રિષ્ઠા ખરડવાના પ્રયાસ થયા છે. તેમના નેતાઓને અયોગ્યરીતે રજૂ કરવામં આવ્યા છે. ૧૫મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશમાં ફેર ચકાસણી કરવા ચૂંટણી પંચને આદેશ કર્યો હતો.
ચૂંટણી પંચે ૧૦મી એપ્રિલના દિવસે ફિલ્મની રજૂઆતને રોકી દીધી હતી. ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી ફિલ્મની રજૂઆતને રોકી દેવામાં આવી હતી. રાજકીય પક્ષોની ફરિયાદના આધાર પર પણ ચૂંટણી પંચે ધ્યાન આપ્યું હતું. કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ફિલ્મની રજૂઆતને લઇને વાંધો ઉઠાવ્યો હતો. મોદી બાયોપિક ફિલ્મના વિવેક ઓબેરોયે મોદીની ભૂમિકા અદા કરી છે. ઓમંગ કુમાર દ્વારા આ ફિલ્મનું નિર્દેશ કરવામાં આવ્યું છે જેમાં મોદીની એક દમ નીચલી સપાટીથી વડાપ્રધાન પદ સુધી પહોંચવાની સ્ટોરી છે.