નવી દિલ્હી : ભારતીય રાજનીતિના બદલાઈ રહેલા દોરના સંકેત પણ મળવા લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધારે સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે લોકસભાની સીટો જીતી હતી અને કોંગ્રેસ પાર્ટીનો દેખાવ તેના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો હતો અને માત્ર ૪૪ સીટ મળી હતી. એક સમયે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી પરંતુ હવે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે.
કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો ઉપર મેદાનમાં છે. આ વખતે કોંગ્રેસે ૪૨૩ સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભાજપે ૪૩૭ સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં હજુ પણ કેટલીક સીટો ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર છે પરંતુ ત્યારબા પણ તે ભાજપથી આગળ રહેશે નહીં. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ આ ઐતિહાસિક તક છે. કારણ કે, કોંગ્રેસને સ્વતંત્રતા બાદ સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે જાવામાં આવે છે. જ્યારે ભારતમાં ભાજપની છાપ તેના કરતા ઓછી રહી છે. ભાજપે વાજપેયીના નેતૃત્વમાં ૧૯૯૮-૯૯માં કેન્દ્રમાં સત્તા મેળવી હતી પરંતુ ૨૦૧૪ની જીત બાદ તેને રાષ્ટ્રીય સ્તર પર જારદાર દેખાવ કરવાની તક મળી છે. એકબાજુ તેને ૨૮૨ સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર ૪૪ સીટ પર જીત મળી છે.
કોંગ્રેસ પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જા પણ મળી શક્યો નથી. કોંગ્રેસનું કહેવું છે કે, ગઠબંધનના લીધે ઓછી સીટ ઉપર તેમની પાર્ટી મેદાનમાં ઉતરી છે. તેમની નબળાઇ કરતા ગઠબંધનની રણનીતિ વધારે મહત્વની છે. ઘણી સીટો સાથી પક્ષોને આપી છે જેના લીધે તેમની સીટોની સંખ્યા ઘટી છે. ૨૦૧૪માં કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી પરંતુ તેના ઉમેદવારો વધારે હતા તે વખતે કોંગ્રેસે ૪૬૪ ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે ૪૨૮ ઉમેદવાર ઉતાર્યા હતા. ૨૦૦૯માં ભાજપે ૪૩૩ અને કોંગ્રેસે ૪૪૦ સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.