કાનપુર : ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આજે વ્યસ્ત રહ્યા હતા. ગાંધી આજે કાનપુરમાં અને ઉન્નાવમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. રાહુલે રાફેલ અને ફરાર થયેલા ઉદ્યોગપતિઓના બહાને મોદી ઉપર આક્ષેપ કર્યા હતા. રાહુલે એવું વચન પણ આપ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ ભ્રષ્ટ ઉદ્યોગપતિઓના ખાતામાંથી પૈસા ઉપાડીને ગરીબ, મજુરો અને ખેડૂતોને આપી દેશે. કાનપુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ આક્રમક દેખાયા હતા. કાર્યકરોમાં ઉત્સાહ ભરતા રાહુલે કહ્યું હતું કે, મોદી હવે આંખ મિલાવવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસના કાર્યકરો લડાયક દેખાઈ રહ્યા છે.
આ પહેલા રાહુલ ગાંધીએ ઉન્નાવમાં ચૂંટણી રેલી પણ યોજી હતી. આ ગાળા દરમિયાન રાહુલે ફરી એકવાર ચોકીદાર ચોર હૈનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ચોકીદાર પાંચ વર્ષમાં ચોર કઇ રીતે બની ગયા, આ તમામ બાબત કઇરીતે બની તે સમજી શકાય છે. પહેલા ૫૬ ઇંચની છાતીની વાત થતી હતી. ચોકીદાર બનાવવની વાત કરી રહ્યા હતા. બે કરોડ યુવાનોને રોજગારી અને ૧૫ લાખ રૂપિયા બેંક ખાતામાં મુકવાની વાત કરી રહ્યા હતા પરંતુ કોઇના ખાતામાં પાંચ રૂપિયા પણ આવી શક્યા નથી.
રાહુલે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં જ્યારે કોઇ વચન પુરા થયા નથી તો છેલ્લા પાંચ વર્ષમાં કયા કામ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો ૭૨૦૦૦ રૂપિયા બેંક ખાતામાં મુકવામાં આવશે. સાથે સાથે દર મહિને ૧૨૦૦૦ રૂપિયાથી વધારેની રકમ કોઇને ન મળે ત્યાં સુધી ન્યાય યોજના મારફતે બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવશે. ૧૨૦૦૦ રૂપિયાથી ઓછી આવક છે તો ન્યાય યોજનાના પૈસા પણ બેંક ખાતાઓમાં પહોંચશે.