કોલંબો : શ્રીલંકામાં રવિવારના દિવસે એક પછી એક આઠ બોંબ બ્લાસ્ટ થયા બાદ ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. આજે કોલંબોમાં એક ચર્ચની પાસે વિસ્ફોટક ભરેલી વેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એ વખતે થયો હતો જ્યારે સુરક્ષા ટીમ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા પ્રયાસ કરી રહી હતી. આસપાસની ગાડીઓના પણ ફુરચે ફુરચા ઉડી ગયા હતા. બીજી બાજુ આજે કોલંબોમાં એક બસ સ્ટેન્ડની પાસેથી ૮૭ ડિટોનેટર અથવા તો બોંબ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આનાથી સાબિત થાય છે કે, શ્રીલંકામાં મોટા પાયે નુકસાન કરવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. સમગ્ર શ્રીલંકામાં સુરક્ષા દળો અને તમામ સંસ્થાઓ હાઈએલર્ટ ઉપર છે. પોલીસ દ્વારા કડી એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઇસ્ટર સનડેના દિવસે કરવામાં આવેલા બ્લાસ્ટમાં સાત આત્મઘાતી બોંબર સામેલ હતા. પોલીસે આ સંદર્ભમાં ૨૪ લોકોની ધરપકડ કરી છે જેમાંથી મોટાભાગના એક જ ગ્રુપના સભ્યો છે. બ્લાસ્ટમાં ઇન્ટરનેશનલ યુનિટને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. શ્રીલંકા સરકારે રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી દીધી છે. ઉંડી તપાસનો દોર હજુ પણ ચાલી રહ્યો છે. આ બ્લાસ્ટમાં ડેનમાર્કના સૌથી અમીર વ્યક્તિ એન્ડર્સ હોલ્ચ પોલ્વસેને પોતાના ત્રણ બાળકોને ગુમાવ્યા છે.
જો કે, આ સંદર્ભમાં વધારે વિગતો આપવામાં આવી નથી. શ્રીલંકામાં ડેનમાર્કના સૌથી અમીર વ્યક્તિ તેમના ચાર બાળકો અને પત્નિની સાથે હોલીડે ઉપર આવ્યા હતા. વેરોમોડા અને જેક એન્ડ જાન્સ જેવી બ્રાંડ સાથે જોડાયેલા બેસ્ટ સેલર કંપનીના માલિક પોલ્વસેન ડેનમાર્કમાં સૌથી અમીર વ્યક્તિ પૈકી એક છે. બીજી બાજુ ભારતમાં શ્રીલંકામાં થયેલા હુમલા બાદથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડને શ્રીલંકા સાથેની મેરિટાઈમ સરહદ પર હાઈએલર્ટ કરી દેવાઈ છે. મેરિટાઈમ એરક્રાફ્ટ બોર્નિયર અને જહાજા કોઇપણ પ્રકારના ખતરાને ટાળવા ગોઠવી દેવાયા છે.