નવી દિલ્હી : શ્રીલંકામાં ગઇકાલે રવિવારના દિવસે ઇસ્ટર પર્વ પર કરવામાં આવેલા આઠ બોંબ બ્લાસ્ટના મામલામાં કોઇ સંગઠને હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી પરંતુ વિદેશી મિડિયાના હેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બ્લાસ્ટ નેશનલ તૌહીદ જમાત દ્વારા કરવામાં આવ્યા છે. આ સંગઠન ક ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન છે. જેના કેટલાક લોકો તમિળનાડુમાં પણ સક્રિય છે. મળેલી માહિતી મુજબ શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારી દ્વારા ૧૦ દિવસ પહેલા જ એલર્ટની જાહેરાત કરી હતી.
આ પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે દેશભરના મુખ્ય ચર્ચમાં આ પ્રકારના બોંબ બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. ૧૧મી એપ્રિલના દિવસે આ ચેતવણી જારી કરવામાં આવી હતી. પોતાની તરફથી મોકલી દેવામાં આવેલા એલર્ટમાં પોલીસ અધિકારી પુજુથ જયસુન્દ્રાએ કહ્યુ હતુ કે વિદેશી ગુપ્તચર વિભાગને આ અંગેની માહિતી મળી હતી.
જેમાં કહેવામાં આવ્યુ હતુ કે નેશનલ તૌહીદ જમાત સંગઠન નામથી કટ્ટરપંથી સંગઠન આત્મઘાતી હુમલા માટેની તૈયારીમાં વ્યસ્ત છે. નેશનલ તૌહીદ એક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. વર્ષ ૨૦૧૪માં તે સક્રિય થયા બાદ તેની ગતિવિધી સતત વધતી રહી છે. ગયા વર્ષે ભગવાન બુદ્ધની મુર્તિઓને તોડી પાડવામાં આવ્યા બાદ તેની ચર્ચા વધારે રહી હતી.