કોલંબો : ઈસ્ટરના દિવસે શ્રીલંકાના ચર્ચમાં અને હોટલોમાં રહેલા લોકોને ટાર્ગેટ બનાવીને આજે કરવામાં આવેલા સિરિયિલ બોમ્બ બ્લાસ્ટ બાદ દુનિયાના દેશો હચમચી ઉઠ્યા છે. આ હુમલામાં હજુ સુધી ૨૦૦થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. આતંકવાદી સંગઠન એલટીટીઈના ખાત્મા બાદ પ્રથમ વખત શ્રીલંકામાં આટલો પ્રચંડ અને વિનાશક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાથી પહેલા પણ દક્ષિણ એશિયાના જુદા જુદા દેશોમાં મોટા આતંકવાદી હુમલા થતા રહ્યા છે. મોટા આતંકવાદી હુમલા જે દક્ષિણ એશિયામાં થયા છે તે નીચે મુજબ છે.
પલ્લિયાગોડેલા હત્યાકાંડ
શ્રીલંકામાં પ્રભાકરનનું સંગઠન એલટીટીઈ મજબૂત સ્થિતિમાં હતું ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ આતંકવાદી સંગઠનની પાસે પોતાની જુદી જમીન, હવાઈ અને થલ સેના પણ હતી. સાથે સાથે નૌકાસેના પણ તેની હતી. આ સંગઠને શ્રીલંકાના પોલાનવારવા જિલ્લામાં મુસ્લિમોના એક ગામ પર ભીષણ હુમલો કર્યો હતો. ૨૦૦થી ૩૦૦ જેટલા એલટીટીઈના ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આ હુમલામાં ૧૭૨ લોકોના મોત થયા હતા અને ૮૦ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદી હુમલાને દક્ષિણ એશિયામાં સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. આ હુમલો વર્ષ ૧૯૯૨માં કરવાવામાં આવ્યો હતો.
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ
૧૧મી જુલાઈ ૨૦૦૬ના દિવસે મુંબઈમાં ટ્રેનમાં વિનાશક બ્લાસ્ટ થયા હતા. આ દિવસે માટુંગા, માહીમ, બાંદ્રા, ખાર, સબવે, જાગેશ્વરી, બોરીવલી અને મીરા રોડ ઉપર સાત બ્લાસ્ટ થયા હતા. જેમાં ૧૮૭ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૭૦૦ લોકો ઘાયલ થયા હતા. મુંબઈ ટ્રેન બ્લાસ્ટના સંદર્ભમાં મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ ૧૨ લોકોને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા. ભારતમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા પૈકીના એક તરીકે આને ગણવામાં આવે છે.
મુંબઈ ત્રાસવાદી હુમલો
દેશના ઈતિહાસમાં ૨૬/૧૧ના મુંબઈ હુમલાને સૌથી વિનાશક આતંકવાદી હુમલા તરીકે ગણવામાં આવે છે. આ હુમલાના કારણે વિશ્વના દેશોએ આની નોંધ લીધી હતી. લશ્કરે તોયબાના ૧૦ આતંકવાદીઓ દ્વારા આ હુમલાને અંજામ અપાયો હતો. ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે ભારતમાં ઘુસ્યા હતા અને ભારતમાં ઘુસ્યા બાદ જુદી જુદી ટુકડીઓમાં ગોઠવાઈ ગયા હતા અને ત્યારબાદ દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં હુમલા કર્યા હતા. પોતાની રીતે નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ પર આ હુમલા કરાયા હતા. છત્રપતિ શિવાજી ટર્મિનસ, તાજ હોટલને ટાર્ગેટ કરીને હુમલા કરાયા હતા. આતંકવાદીઓને ચાર દિવસ સુધી ઓપરેશન ચાલ્યા બાદ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આતંકવાદીઓ પૈકી એકને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. આખરે જીવતા ઝડપાયેલા આતંકવાદી કસાબને ફાંસીની સજા અપાઈ હતી.
પાકિસ્તાનમાં પેશાવરમાં હુમલો
૧૭ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે પાકિસ્તાનના પેશાવરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આર્મી સ્કુલ પર કરવામાં આવેલા આ હુમલામાં ૧૪૧ બાળકોના મોત થયા હતા. જેમાં ૧૩૨ સ્કુલી બાળકો હતા. નવ લોકો સ્ટાફના હતા. ત્રાસવાદી સંગઠન તહેરીકે તાલિબાન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ ઓપરેશનમાં છ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.