સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હાલમાં કેટલાક ચોંકાવનારા બનાવો બની રહ્યા છે. કેટલીક જગ્યાએ શુઝ કાંડ અને થપ્પડકાંડના બનાવો બની રહ્યા છે. આજે શુક્રવારના દિવસે એક જનસભા દરમિયાન સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને આક્રમક નેતા હાર્દિક પટેલને એક વ્યક્તિએ મંચ પર લાફો મારી દેતા સનસનાટી મચી ગઇ હતી. આ ઘટના બાદ લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ ઘટનાને લઇને વિડિયો સપાટી પર આવ્યા બાદ ચર્ચા છેડાઇ ગઇ છે.
વિડિયોમાં જાઇ શકાય છે કે હાર્દિક પટેલ સભા કરી રહ્યા છે અને ત્યારે જ એક વ્યક્તિ એકાએક આવી પહોંચે છે અને જે જોરદાર તમાચો હાર્દક પટેલને ફટકારે છે. આ ઘટના બાદ ભારે હંગામો થયો હતો. વિડિયોમાં હાર્દિક પટેલ અને હુમલા કરનાર વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઇ હોવાનુ સ્પષ્ટ દેખાય છે. બનાવ બન્યા બાદ હાર્દિક પટેલે કહ્યુ હતુ કે ભાજપ દ્વારા આ હુમલો તેમના પર કરાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના હુમલાને લઇને અમે શાંત બેસીશુ નહીં.
આ બનાવના સંબંધમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયા બાદથી કેટલાક પાટદારો નાખુશ દેખાઇ રહ્યા છે. હાર્દિકના કાર્યક્રમોનો પહેલા પણ વિરોધ કરવામાં આવી ચુક્યો છે.