અમદાવાદ : જાણીતા ક્રાંતિકારી મહિલા સંત આનંદમૂર્તિ ગુરૂમા ખાસ અમદાવાદની ખાસ મુલાકાતે આવ્યા છે. તા.૧૮થી ૨૧ એપ્રિલ દરમ્યાન જાણીતા સંત આનંદમૂર્તિ ગુરૂમાનો શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં સવારે આઠથી દસ વાગ્યા દરમ્યાન વિશેષ સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી તેમના આધ્યામિક સત્સંગ પ્રવચનનો વિધિવત્ પ્રારંભ થયો હતો. તમામ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગની વ્યકતિઓ માટે આ સત્સંગ નિઃશુલ્ક છે, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે.
સંત આનંદમૂર્તિ ગુરૂમાએ આજના તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણે ઘર કે દુકાન ભાડે આપવી હોય તો ભાડૂત કેવો માણસ છે એ ચકાસીએ છીએ અને સારા માણસને જ ભાડા પર આપીએ છીએ. પરંતુ જ્યારે આપણે કોઈનો દ્વેષ કરીએ છીએ અને નિંદા કરીએ છીએ ત્યારે તે વ્યક્તિને આપણા મનમાં જગ્યા આપીએ છીએ. જેની આપણે નિંદા કરીએ છીએ તેના વિશે વિચારીને, તેના વિશે સતત બીજાઓ પાસે વાત કરીને અજાણપણે આપણે તેના દુર્ગુણોને આપણી અંદર સમાવી લેતા હોઈએ છીએ.
જે વ્યક્તિ ખરાબ છે કે જેનામાં બુરાઈ છે એવું આપણને લાગે છે તેને વિશે વિચારીને આપણે તેને આપણા મનમાં વસાવીએ છીએ. જે રીતે કોઈના પર સળગતો કોલસો ફેંકવા માટે પહેલાં આપણે એ કોલસાને હાથમાં ઉપાડવો પડે છે અને એ બીજાને કોઈ નુકસાન કરે એ પહેલાં આપણને દઝાડે છે એ જ રીતે દ્વેષ, ઇર્ષ્યા, ક્રોધ કોઈનું કંઈ બગાડે એ પહેલાં આપણું નુકસાન કરે છે એવી સમજણ આજે અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે યોજાયેલા ચાર દિવસીય સત્સંગના પ્રથમ દિવસે આનંદમૂર્તિ ગુરુમાએ શ્રોતાઓને સમજાવ્યું હતું. રવિવાર, ૨૧ એપ્રિલ સુધી દરરોજ સવારે ૮થી ૧૦ આ જ સ્થળે તેમનો સત્સંગ થવાનો છે.
તેમની લાક્ષણિક ઢબે તેમણે મહાભારતની કથાથી માંડીને બોધવાર્તાના દૃષ્ટ્રાંત ઉપરાંત થોડીક રમૂજ દ્વારા મનમાંથી રાગ-દ્વેષનો નિકાલ કરી, મોહ અને આસક્તિરહિત થવાની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. આજના જમાનામાં ઇન્ટરનેટના માધ્યમથી ગુગલ, વ્હોટ્સ અપ અને અન્ય સોશ્યલ મિડિયા દ્વારા આમ તો જ્ઞાન આપણા મોબાઈલ અને મનમાં ઠલવાતું રહે છે પરંતુ તેમ છતાં, આપણે દુઃખ, હતાશા અને ડિપ્રેશનથી પીડાતા રહીએ છીએ, કારણ કે આ જ્ઞાનને જીવનમાં આત્મસાત કરવાની રીત આપણે જાણતા નથી. વેદ-પુરાણોથી માંડીને યોગવિદ્યાના જાણકાર આનંદમૂર્તિ ગુરુમાએ મનને શાંત કરવાનું જ્ઞાન કઈ રીતે આત્મસાત કરી શકાય અને મનને શાંત તેમ જ એકાગ્ર કરી શકાય એની યૌગિક વિધિ પણ શીખવી હતી. આજના સત્સંગમાં તેમણે પોતાના સુરીલા અવાજમાં સંત દિનકરદાસ રચિત ભજન ભમ્મર ગુફામાં નિરંજન જ્યોતિ રજૂ કર્યું હતું અને યોગમાર્ગની સાધનાઓ વિશે સમજણ આપી હતી. આજના આ સત્સંગમાં સેંકડોં શ્રોતાઓ હાજર રહ્યા હતા અને તેમના મુખેથી સરી રહેલાં જ્ઞાનનો લાભ લીધો હતો.