રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આજે ગાંધીનગર ખાતે આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત વિધાનસભાના પટાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ વેળાએ રાજ્યપાલએ પૂજન-અર્ચનમાં ભાગ લઇ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રી મંડળના સભ્યો, ચૂંટાયલા ધારાસભ્યો સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુલાબી રંગના પથ્થરોથી નવનિર્મિત આ ભવનમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, વિપક્ષના નેતા, મંત્રીમંડળના સભ્યોની ચેમ્બરોનું પણ રીનોવેશન કરાયું છે. વિધાનગૃહમાં પણ અદ્યતન બેનમૂન બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સીસ્ટમ તથા લાઇટીંગની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત શાસક પક્ષ, વિપક્ષને બેઠક માટે કોન્ફરન્સ હૉલ તથા લાયબ્રેરીને પણ અદ્યતન બનાવાઇ છે. આ ભવન નાગરિકોને જોવા માટે અનેરૂ નજરાણું બની રહેશે.