અમદાવાદ : દેશના જાણીતા અરવિંદ લિમિટેડ ગ્રુપ દ્વારા આજે તેના કર્મચારીઓને લોકસભાની આગામી ચૂંટણીમાં અચૂક અને સો ટકા મતદાન કરવા અંગે બહુ મહત્વનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ માટે અરવિંદ લિ. ગ્રુપ તરફથી અમદાવાદ-ગાંધીનગરના એકમ ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેના થકી અરવિંદ ગ્રુપ દ્વારા તેના કર્મચારીઓમાં મતદાન જાગૃતિની ઝુંબેશની અનોખી પહેલ હાથ ધરી સામાજિક પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાનું મતદાન અચુક કરે તે જરૂરી છે.
લોકશાહીમાં પ્રત્યેક મતદારની ચૂંટણી પ્રક્રિયામાં શ્રદ્ધા જળવાઈ રહે તે ઈચ્છનીય છે. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૈકી ગુજરાત રાજ્યની તમામ ૨૬ બેઠકો માટે તા.૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, જે સંદર્ભે અમદાવાદ સ્થિત અરવિંદ લિ. દ્વારા આજરોજ કર્મચારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. અરવિંદ લિ. દ્વારા તેના અમદાવાદ સ્થિત ચાર અને ગાંધીનગર પાસેનાં ઉત્પાદન એકમોમાં તમામ કર્મચારીઓને ૧૦૦ ટકા મતદાન માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અરવિંદ લિ. દ્વારા સ્થાનિક પ્રસાશનના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓમાં વિવિપેટ મશીન અંગેની જાણકારી અને જાગૃતિ આવે તે હેતુથી વર્કશોપ યોજવામાં આવ્યા હતા.
કંપની દ્વારા કર્મચારીઓ લોકશાહીના આ મહાપર્વમાં પોતાનાં મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે પોસ્ટરો, બેનરો તેમજ વીડિયો ફિલ્મ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતમાં મતદાન કરવાનો પ્રવાહ વધી રહ્યો છે. આ કાર્યમાં મહત્વપૂર્ણ પ્રદાનના ભાગરૂપે અરવિંદ લિ. તેના કર્મચારીઓમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટેની જાગૃતિ લાવવા પ્રતિબધ્ધ છે. અરવિંદ લિ.ની કર્મચારી મતદાન જાગૃતિ ઝુંબેશ લોકશાહીને દૃઢ કરવાનું સ્વયં સિમાચિહ્નરૂપ પગલું છે, જે સમાજ માટે ઉદાહરણરૂપ પૂરવાર થશે.