અમદાવાદ : શ્રી હનુમાનજી કેમ્પ ટ્રસ્ટ દ્વારા તા. 18 એપ્રિલ2019ના રોજ હનુમાનજીના ભવ્ય હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ટ્રસ્ટ, મંડળો , વિવિધ મંદિરો, સોસાયટીઓ તેમજ જાહેર જનતા જે વર્ષો વર્ષ જોડાય છે તેઓને આ વર્ષે પણ જોડાવવા અપીલ કરવામાં આવી છે. હનુમાન યાત્રામાં પ્રસાદીરૂપે 1500 કિલો બુંદી તથા શીંગની ચીકીનો સમાવેશ કરવામાં આવે છે. આ ભવ્યયાત્રાનો શુભારંભ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીના હસ્તે થશે.
હનુમાનયાત્રા સવારે 8 કલાકે હનુમાન કેમ્પ શાહીબાગથી નીકળી સુભાષબ્રીજ, આશ્રમ રોડ, પાલડી, વાસણા , શ્રી વાયુદેવતાજીના મદિરે થી અંજલિ ચાર રસ્તા ધરણીધર, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કુલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા થઇ નીજ મંદિર પરત ફરશે.
ચૈત્ર સુદ પૂનમ તા. 19 એપ્રિલ, 2019 ના રોજ રામભક્ત હનુમાનજીની જન્મ જયંતિના પ્રસંગે શાહીબાગ કેમ્પ સ્થિત શ્રી હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નિમિત્તે હનુમાનજીને 500 કિલો દુધનો હલવો ધરાવવામાં આવશે તેમજ મંદિર પર નવી ધજા ચઢાવવામાં આવશે.
શ્રી હનુમાનજી મંદિર કેમ્પના ટ્રસ્ટીઓ તેમજ પુજારી પરિવારના જણાવ્યા અનુસાર હનુમાનજીની યાત્રા ભારતવર્ષમાં ક્યાંય ઉજવાતી નથી. હનુમાનજી કેમ્પ દ્વારા છેલ્લા 16 વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. હનુમાનજી પોતાના જન્મદિન નિમિત્તે પિતા વાયું દેવતાને પ્રણામ કરવા અને આશીર્વાદ લેવા પધારે છે તેવી આ યાત્રા પાછળની ભાવના છે.
હનુમાનયાત્રાની વિશિષ્ટતા એવી છે કે હનુમાનજીને પવનપુત્ર કહેવાયા હોવાથી આ યાત્રામાં માત્ર વાહનો ઉપર જ આમદાવાદની પ્રદક્ષિણા કરશે. હનુમાનયાત્રામાં વિવિધ પ્રકારના શુસોભિત કરેલા વાહનો માં 30 જેટલી ટ્રકો , કાર અને અન્ય નાના મોટા વાહનોનો સમાવેશ કરવામાં આવશે.