કરાંચી : પાકિસ્તાનની હાલત આર્થિક મોરચા ઉપર દિન પ્રતિદિન ખુબ ખરાબ થઇ રહી છે. સ્થિતિ એ થઇ છે કે, પાકિસ્તાનમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાન પર પહોંચી ચુક્યા છે. ટામેટા બાદ હવે દૂધની કિંમતો પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ચુકી છે. પ્રતિષ્ઠા બચાવવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. કરાંચી ડેરી ફાર્મર્સ એસોસિએશને હવે દૂધની કિંમતમાં ૨૩ રૂપિયાનો વધારો કરી દીધો છે.
આવી સ્થિતિમાં રિટેલ દુકાનો પર દૂધની કિંમત ૧૨૦ રૂપિયા પ્રતિલીટર થઇ ગઇ છે. પાકિસ્તાની અખબારના કહેવા મુજબ જિલ્લા વહીવટીતંત્રએ ભલે દૂધની કિંમત ૯૪ રૂપિયા નક્કી કર્યા છે પરંતુ મોટી સંખ્યામાં દૂધનું વેચાણ કરનાર લોકો ૧૨૦ રૂપિયાથી લઇને ૧૮૦ રૂપિયા સુધી વસુલ કરી રહ્યા છે. એસોસિએશનનું કહેવું છે કે, સરકારે અનેક વખત નિવેદન બાદ પણ દૂધની કિંમત વધારવાનો ઇન્કાર કરી દીધો છે જેથી દૂધ વિક્રેતાઓને પોતે રેટમાં વધારો કરવાની ફરજ પડી છે.
એસોસિએશનના શાકીર ગુર્જરે વાતચીતમાં કહ્યું છે કે, અમે સરકારના લોકોને મળી ચુક્યા છે. અમારી વાતો પણ રજૂ કરી છે પરંતુ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. ઘાસચારાની કિંમત અનેકગણી વધી ગઈ છે. પેટ્રોલની કિંમત આસમાન ઉપર પહોંચી છે. આ કારણસર પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છે. વહીવટીઅધિકારીઓનું કહેવું છે કે, મોટાભાગે દુકાનો ઉપર દૂધની કિંમત ૧૨૦ રૂપિયા પ્રતિલીટર સુધી પહોંચી છે. કેટલાક દુકાનદારો તો ૧૮૦ રૂપિયા ભાવ વસુલ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં કટોકટી દિનપ્રતિદિન વધી રહી છે. પાકિસ્તાનમાં તંત્રના લોકોનું કહેવું છે કે, વધારે કિંમત વસુલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલત ખુબ ખરાબ થઇ છે. દરોડા પાડવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે.