મુંબઈ : આગામી વર્લ્ડકપ મિશન માટે ભારતીય ક્રિકેટની જાહેરાત કરવામાં આવનાર છે. મુંબઈમાં મિશન વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાશે. ભારતીય ટીમ માટે મોટાભાગના ખેલાડીઓ પહેલાથી જ નક્કી છે પરંતુ કેટલાક ખેલાડીઓના નામ ઉપર સસ્પેન્સની સ્થિતિ છે. બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક અને ઋષભ પંત વચ્ચે સીધી સ્પર્ધા છે. આ બંનેના નામ ઉપર ગંભીરતાપૂર્વક વિચારણા થશે. વ્યાપક અનુભવ બાદ પણ મોટી ઇનિંગ્સ રમવાને લઇને કાર્તિકની ક્ષમતા ઉપર પ્રશ્નો થઇ રહ્યા છે. બીજી બાજુ ઋષભ પંત પણ મોટા ફટકા લગાવવાના ચક્કરમાં વિકેટ ફેંકી રહ્યો છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ દ્વારા એવા ખેલાડીની શોધ ચાલી રહી છે જે ધોનીની જેમ રનરેટના દબાણને ઘટાડી શકે.
માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલિયાની સામે વનડે મેચો રમી ચુકેલી ટીમમાં કોઇ મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક આવતીકાલે બપોરે ૩ વાગે થશે. ઓલરાઉન્ડરના નામ ઉપર પણ મંથન થશે. હાર્દિક પંડ્યા, અંબાતી રાયડુ અને વિજય શંકર વચ્ચે પણ સ્પર્ધા થનાર છે. કેટલાક ખેલાડીઓના નામ પહેલાથી જ નક્કી છે. બીસીસીઆઈએ એક અખબારી યાદીમાં કહ્યું છે કે બપોરે ત્રણ વાગે પત્રકાર પરિષદ યોજીને ટીમની જાહેરાત કરવામાં આવનાર છે. બીસીસીઆઈના અખિલ ભારતીય સિનિયર સિલેકશન કમિટીના સભ્યોનું કહેવું છે કે આ પ્રેસ કોન્ફરન્સથી પહેલા પસંદગી માટે મુંબઈમાં બેઠક યોજાશે. જેમાં વર્લ્ડકપ માટે પસંદગી થનાર ખેલાડીઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે.
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૩૦મી મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત થશે. આ ટુર્નામેન્ટ ૧૪મી જુલાઈ સુધી ચાલશે. મહત્વપૂર્ણ એ છે કે આ મિટીંગ બાદ પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શા†ી ભાગ લેશે નહીં. ભારતીય ટીમના દરેક મોટા પ્રવાસથી પહેલા ટીમની પસંદગી બાદ સામાન્ય રીતે ભારતીય કેપ્ટન અને કોચ પત્રકાર પરિષદ યોજે છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના સ્વરૂપની વાત કરવામાં આવે તો ટીમમાં ખેલાડીઓના નામ પસંદગી કમિટીની સાથે કેપ્ટન અને કોચની નજર પણ સ્પષ્ટ રહે છે. ટીમમાં એક બે સ્થાનોને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ૧૫મી એપ્રિલના દિવસે જ આ ચિત્ર સ્પષ્ટ થશે. આ વખતે વર્લ્ડકપ રાઉન્ડ રોબિન તરીકાથી રમાડવામાં આવશે. એટલે કે દરેક ટીમ બાકી તમામ ટીમોથી મેચ રમશે અને રાઉન્ડ રોબિન બાદ ટોપની ૪ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચમી મેના દિવસે દક્ષિણ આફ્રિકાની સામે પોતાની પ્રથમ મેચ રમશે. નવમીએ શ્રીલંકા સામે ભારતીય ટીમ રમશે. આ વખતે ૧૪મી જુલાઈ ૨૦૧૯ના દિવસે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ લોડ્ઝમાં રમાશે. વર્લ્ડકપમાં કુલ ૪૮ મેચો રમાશે.