અમદાવાદ : રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા આવેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને રીતસરના આડા હાથે લીધા હતા. મહિલાઓએ પાણી મુદ્દે પ્રશ્નો પૂછતાં મંત્રી અને તેમના માણસો અકળાયા હતા, તો મહિલાઓએ પણ પોતાનો આક્રોશ વ્યકત કરી તેમની પર ચાબખા વરસાવ્યા હતા.
જો કે, વાયરલ વીડિયોમાં બાવળિયા અને બોઘરા મહિલાઓ પર દાદાગીરી કરી રહ્યા હોય તેવું જણાતું હતું. કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાએ ઉપસ્થિત મહિલાઓ સહિતના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હોત તો વિકાસ થાત. જો કે, તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને પરિણામે બંને નેતાઓને ત્યાંથી રવાના થઇ જવાની ફરજ પડી હતી. વીડિયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને ૪૫થી ૫૫ ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો. ત્યારે બાવળિયાએ પણ કહ્યું કે હા મને મળવા માટે લાઈનો લાગે છે. તમને કદર જ નથી તેમ કહીને ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા. મહિલાઓમાં આક્રોશને લઇ બંને નેતાઓએ ત્યાંથી રવાના થઇ જવાનું મુનાસીબ માન્યુ હતું. કુંવરજી બાવળિયા ગયા પછી પણ ગામની મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે, આ નેતાઓ ચૂંટણી ટાણે વોટ માંગવા નીકળી જાય છે. પણ ચૂંટણી પછી કોઈ સામે પણ જોતું નથી. પાણી વિના અમે કેટલી મુસીબતો અને તકલીફો વેઠી રહ્યા છીએ એ અમને જ ખબર હોય.