અમદાવાદ : છેલ્લા ૬ મહિનાથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઈ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યાર બાદ ૧૦ એપ્રિલના રોજ અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. જો કે આ અંગે આજે મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અમારી સાથે જોડાવાની કોઈપણ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે. અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી હાલ ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભાજપને ય ચિંતા છે કે, જો અલ્પેશ પાર્ટીમાં જોડાય તો પરપ્રાંતીયોના મતોમાં ગાબડાં પડી શકે છે અને માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં નુકસાન સહન કરવું પડે.
આ ઉપરાંત અમદાવાદ પૂર્વની બેઠકમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મતદારો હોવાથી તેમાં પણ નુકસાન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઢુંઢર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલા થયા હતા. જેમાં અલ્પેશ ઠાકોરનો દોરી સંચાર હોવાની ચર્ચા ચાલી હતી. દરમ્યાન લોકસભાની ચૂંટણીને લઇને આજે મેઘરજ અને વડાલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સભા સંબોધી હતી. સાબરકાંઠાના ઉમેદવાર માટે પ્રચાર દરમ્યાન સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, એક બાજુ ચોકીદાર અને બીજી બાજુ ચોરોની જમાત છે. પ્રજાના વિકાસ માટે નરેન્દ્રભાઇ ચોકીદારી કરે છે. ત્યારે એકબીજાનું મોં ન જોનારા આજે એક થયા છે. રૂપાણીએ મંચ પરથી કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘની નકલ ઉતારી હતી.
તેમણે પૂર્વ વડાપ્રધાન વિશે એવું નિવેદન પણ આપ્યું હતું કે, મનમોહનસિંહ એટલું ધીમું બોલતા ત્યાં સુધીમાં આતંકવાદી ધમાકા કરીને નીકળી જતા. તેઓ આટલેથી અટકાયા નહોતા, તેમણે ઉમેર્યું કે, મનમોહનસિંહ આવું ધીમું ધીમું બોલતા ત્યાં તો બીજા ધડાકા થઈ ગયા હોય. આ ત્રાસવાદીઓ આલ્યા માલ્યા જમાલ્યાઓ આપણે ટાપલા મારતા ગ્યા. તમારી આ હિમ્મત વગરની નીતિઓના કારણે તેમનું જોર વધતું ગયું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને ડર છે કે મોદી ભાઇ ફરીથી પાંચ વર્ષ બેસે તો આપણી અમુક દુકાનો બંધ થઈ જાય માટે મોદી હટાવ મોદી હટાવના નારા લગાવે છે. મનમોહનજીની સરકારમાં એક ડઝન લોકો ભ્રષ્ટાચારમાં હાલ જામીન પર બહાર છે. કોંગ્રેસ સતા માટે તડફડિયા મારી રહી છે. પરંતુ મોદી સરકાર આવવાની છે તે વાત ચોકક્સ છે.