અમદાવાદ : આજે ભગવાન શ્રીરામચંદ્ર ભગવાનજીનો જન્મદિવસ એટલે કે, રામનવમીનું પવિત્ર પર્વ છે, જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના રામજીમંદિરોમાં સાથે સાથે તેમના પરમભકત હનુમાનજી મંદિરોમાં વિશેષ પ્રભુ શ્રીરામના જન્મોત્સવ, હિંડોળા, સાજ-શણગાર, પૂજા-પાઠ, રામધૂન, રામાયણ પાઠ, સુંદરકાંડના પાઠ સહિતના અનેકવિધ ભકિતસભર કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રિલીફરોડ પર આવેલ હાજા પટેલની પોળમાં આવેલા ૬૦૦ વર્ષ પ્રાચીન શ્રી કાળા રામજી મંદિરમાં આજે શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તો, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં આજે રામનવમી નિમિતે આવિન રઘુવંશી અને ત્રિવિન રઘુવંશી દ્વારા ખાસ હનુમાનચાલીસા અને ભવ્ય સુંદરકાંડના મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલે ભગવાન સ્વામિનારાયણની પણ જન્મજયંતિ હોઇ શહેરના શાહીબાગ, ગુરૂકુળ, છારોડી સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામના જન્મદિવસ એવી રામનવમીને લઇ શહેરના રામજીમંદિરો, કૃષ્ણમંદિરો અને તેમના પરમભકત એવા હનુમાનજી મંદિરોમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરાઇ છે.
રામનવમીના પવિત્ર પર્વને લઇ રામજી મંદિરોમાં ખાસ કરીને શહેરના જગન્નાથજી મંદિર, હાજા પટેલની પોળના શ્રી કાળા રામજી મંદિર, પ્રેમદરવાજાના સુપ્રસિધ્ધ સરયુમંદિર(રામજી મંદિર), મેમનગર ગામમાં શ્રીરામજી મંદિર, થલતેજ સાંઇબાબા મંદિર ખાતેના રામજી મંદિર, થલતેજ નજી મંદિર સહિતના મંદિરોમાં આજે ભગવાનના વિશેષ અને બહુ સુંદર, આકર્ષક અને મનોરમ્ય સાજ-શણગાર કરવામાં આવશે. સાથે સાથે શ્રીરામચંદ્રજીના બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવશે. શ્રધ્ધાળુ ભકતો માટે રામજી મંદિરોમાં આજે પારણાં ઝુલાવવાની અને પ્રસાદીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના રામજી મંદિરો, કૃષ્ણ મંદિરો અને હનુમાનજી મંદિરોમાં રામનવમીને લઇ રામધૂન, રામાયણના પાઠ, સુંદરકાંડ, હનુમાનચાલીસા, મહાઆરતી સહિતના ધાર્મિક અને ભકિતસભર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાજા પટેલની પોળના શ્રી કાળા રામજી મંદિર ખાતે આજે બપોરે ૧૨.૦૦ વાગ્યે ભગવાન શ્રીરામનો જન્મ, ૧૨-૧૫થી હિંડોળા દર્શન, પ્રસાદ, સાંજે ૪.૦૦ વાગ્યે જન્મપત્રિકા વાંચન, સાંજે ૪.૩૦થી ૭.૩૦ દરમ્યાન ભકિતસંગીતનો કાર્યક્રમ અને સાંજે ૮થી ૯ દરમ્યાન નોમ ઉત્સવ સંકિર્તન સાથે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.
આ જ પ્રકારે શહેર સહિત રાજયભરના શ્રીરામજી મંદિરોમાં બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય અને ભકિતસભર ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ભાડજ રાધાકૃષ્ણ મંદિર અને ઇસ્કોન મંદિરમાં પણ રામનવમીની ભારે ભકિતભાવપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. દરમ્યાન આવતીકાલે ભગવાન સ્વામિનારાયણની પણ જન્મજયંતિ હોઇ શહેરના શાહીબાગ, ગુરૂકુળ, છારોડી સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતસમાજ અને શિષ્યો દ્વારા પણ ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિને લઇ શિક્ષાપત્રી પઠન, સ્વામિનારાયણ ધૂન સહિતના ભકિતસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામનવમીને લઇ ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.