બેંગલોર : ટીસીએસએ આજે કહ્યું હતું કે માર્ચમાં પુરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એક ઈલેકટોરલ ટ્રસ્ટને ૨૨૦ કરોડ રૂપિયા અથવા તો ૩૧.૨ મિલિયન ડોલરની રકમ આપી હતી. તેના પ્રોફિટ અને નુકસાનના ખાતામાં અન્ય ખર્ચ હેઠળ આની નોંધણી થયેલી છે જે દર્શાવે છે કે ચુંટણી ફન્ડીંગ તરફ કરવામાં આવેલી સૌથી મોટી ડોનેશનની રકમ તરીકે આ હોઈ શકે છે. ચુંટણી ફન્ડીંગ તરીકે કંપનીએ સૌથી જંગી રકમ આપી હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે.
કંપનીએ ચુંટણી ફન્ડીંગ હેઠળ આટલી મોટી રકમ અગાઉ ક્યારેય પણ આપી નથી. જોકે ટીસીએસ દ્વારા કરવામાં આવેલા ફન્ડીંગના પરિણામ સ્વરૂપે સૌથી વધારે લાભ કઈ પાર્ટીઓને થયો છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ટીસીએસ સહિત ટાટા ગ્રુપની કંપનીઓએ અગાઉ પણ ઈલેકટોરલ ટ્રસ્ટમાં જંગ નાણા આપ્યા છે. ટીસીએસએ અગાઉ પ્રોગ્રેસીવ ઈલેકટોરલ ટ્ર્સ્ટને નાણા આપ્યા હતા. આ ટ્રસ્ટની રચના ૨૦૧૩માં તાતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટમાં અનેક રાજકીય પક્ષો રહેલા છે. આ ટ્રસ્ટે જુદા જુદા રાજકીય પક્ષોને ડોનેશનને રકમ ઉપલબ્ધ કરાવી હતી. પહેલી એપ્રિલ ૨૦૧૩થી લઈ ૩૧મી માર્ચ ૨૦૧૬ના ગાળામાં આ નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તે વખતે કોંગ્રેસ પાર્ટીને સૌથી વધુ નાણાં મળ્યા હતા.
ત્યારબાદ બીજુ જનતાદળને નાણા મળ્યા હતા. આ ગાળા દરમિયાન ટીસીએસએ માત્ર ૧.૫ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. ભારતના અનેક ઈલેકટોરલ ટ્રસ્ટ રહેલા છે જે કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. આ મોટા ઈલેક્ટોરલ ટ્રસ્ટમાં પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટની ભૂમિકા સૌથી મોટી રહેલી છે. આ ટ્રસ્ટમાં ભારતી ગ્રુપ અને ડીએલએફ સૌથી મોટા નાણાં આપનાર કોર્પોરેટ ગ્રુપ તરીકે છે. ૨૦૧૭-૧૮ના ગાળામાં પ્રુડન્ટ દ્વારા ૧૪૪ કરોડ રૂપિયા ભાજપને આપ્યા હતા. તેના દ્વારા જંગી રકમ ઉભી કરવામાં આવી હતી.
ટાટા પ્રોગ્રેસીવ ઈલેકટ્રોલ ટ્રસ્ટ દ્વારા ભારતના ચુંટણી પંચ સમક્ષ જે રિપોર્ટ દાખલ કરાયો છે તે રિપોર્ટ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કોઈપણ રાજકીય પક્ષને કોઈ નાણાં ચુકવવામાં આવ્યા ન હતા. ૫૪૮૪૪ કરોડ રૂપિયાના ડેફિસિટ તરીકેનો આંકડો પ્રોગ્રેસીવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. ટીસીએસ દ્વારા જાન્યુઆરી-માર્ચના ગાળામાં ઈલેક્ટોરલ ટ્રસ્ટને ૨૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાને લઈને કોર્પોરેટ જગતમાં તેની ચર્ચા છેડાઈ છે.