અમદાવાદ : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર જિલ્લાના ૫,૬૨૭ મતદાન મથકમાં આગામી તા. ૨૩ એપ્રિલે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. શહેર જિલ્લાના કુલ ૧,૯૨૩ સ્થળ પર આ મતદાન કેન્દ્ર ઊભાં કરાશે. ગઈકાલે તંત્ર દ્વારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા ખાસ શતાયુ મતદાર ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. હવે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીના ૧૮,૦૦૦ જવાન આજથી બે દિવસ પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન કરી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. જા બે દિવસમાં મતદાન કરવાનું ચૂકી જનારા પોલીસ કર્મી કે સુરક્ષા જવાનો ટપાલ મારફતે પણ પોતાનો મત મોકલાવી શકશે તેવી વ્યવસ્થા પણ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં કુલ ૨૧ વિધાનસભા મત વિસ્તાર હોઈ મતદારોની અંતિમ યાદી પ્રમાણે કુલ ૫,૬૨૭ મતદાન મથક ઊભાં કરાશે. જે પૈકી દસ્ક્રોઈ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ ૪૦૯ મતદાન મથક અને દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછા ૧૮૮ મતદાન મથક છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોની સંખ્યા વધવાથી વધારાના ઈવીએમ અને વીવીપેટની વ્યવસ્થા કરાઈ રહી છે. પ્રતિ મતદાન મથક દીઠ પાંચ પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા-સલામતી જાળવવા માટે પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીના ૧૮,૦૦૦ જવાન તૈનાત કરાયા છે. દરમિયાન અમદાવાદ જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી મિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ તમામ પોલીસ સ્ટાફ લોકસભાની ચૂંટણીમાં પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો મત આપી શકે તે માટે આજથી બે દિવસ સુધી શાહીબાગ પોલીસહેડ ક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જ્યાં નિર્ધાિરત કાર્યક્રમ મુજબ પોલીસના જવાનોને ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે બેલેટ પેપર અપાશે અને આ જવાનો બેલેટ પેપરમાં દર્શાવેલા ઉમેદવારો પૈકીના કોઈ એક ઉમેદવારના ચિહ્ન પર સિક્કો મારીને મત આપી શકશે.
સિટી જિલ્લા વિસ્તારના આ ૧૮,૦૦૦ જવાન માટે બેલેટ પોસ્ટિંગ માટે બે દિવસ અપાયા બાદ પણ જો કોઈ જવાન મતદાન કરવાથી કોઈ કારણસર ચૂકી જશે તો તેમને જે તે વિસ્તારના ચૂંટણી અધિકારીના નામ-સરનામું ધરાવતાં કવર અને બેલેટ પેપર અપાશે. જેને તેઓ ટપાલ મારફતે મોકલાવી શકશે. શહેર-જિલ્લામાં ૨૧ વિધાનસભા મત વિસ્તાર હોઈ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પ્રતિ વિધાનસભા મત વિસ્તાર દીઠ એક બેલેટ બોક્સ મુકાયાં છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરાવવાના ભાગરૂપે દિવ્યાંગ વ્યક્તિ સંચાલિત મતદાન મથક સહિતની તૈયારીઓ કરાઈ રહી છે તેમ પણ મિતેશ પંડ્યાએ ઉમેર્યું હતું.