ડીસા ભાજપ યુવા મંત્રી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ડીસા તાલુકા યુવા ભાજપ મંત્રી અને ગેનાજી ગોળિયા ગામના ઉપસરપંચ મહેશ સોમાજી ગેલોત(માળી) સામે એક કોલેજીયન યુવતીએ જાતીય શોષણની ફરિયાદ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે. ડીસા તાલુકા ભાજપના યુવા મંત્રીએ બિન સચિવાલય અને તલાટીની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી તેને એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અડપલાં કર્યા હતા અને બીભત્સ માંગણીઓ કરી તેની સાથેના ફોટો વાઈરલ કરી મારી નાંખવાની ધમકી આપી આપી હોવાની યુવતીએ ફરિયાદ પોલીસમાં નોંધાવતાં લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

ગેનાજી ગોળીયાના ઉપ સરપંચ અને તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી મહેશ સોમાજી ગેલોત (માળી) વિરુદ્ધ વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કરી મારી નાખવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી ફોટા વાઈરલ કરવાની ધમકી આપ્યા મામલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. પોલીસે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, તેણી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે ટીવાયબીકોમમાં સેમેસ્ટર-૬ની પરીક્ષા આપવા ગઈ હતી જમાં તા.૨૬ માર્ચે તેનું આંકડાશાસ્ત્રનું પેપર હતું. જેમાં મહેશ સોમાજી ગેલોત (માળી) સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતો.

આ દરમિયાન વિદ્યાર્થિની સ્લીપ જોઈ તેણે કહ્યું હતું કે, તારા પપ્પા મારા કુટુંબી ભાઈ થાય છે. તું શાંતિથી લખજે. જોકે બાદમાં દરેક પેપરમાં આવી વિદ્યાર્થિની માટે ભલામણ કરતો હતો. જોકે એક જ સમાજના હોવાથી વિદ્યાર્થિનીએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે વિદ્યાર્થિનીને જણાવ્યું હતું કે, તે ગુજરાત જાહેર સેવા આયોગના ક્લાસીસ પણ ચલાવે છે અને ગેનાજી ગોળીયાનો ઉપ સરપંચ છે. રાજકારણમાં અગ્રણી છે મોટા નેતા અને અધિકારીઓની ઓળખાણ ધરાવે છે તેમ કહી વિદ્યાર્થીનો મોબાઇલ નંબર લીધો હતો. બાદમાં આ શખ્સે વિદ્યાર્થિનીને ફોન કરી સાંઇબાબા મંદિરે બોલાવી હતી. જેથી વિદ્યાર્થિની એક્ટિવા લઇ સાઈબાબા મંદિર ખાતે પહોંચતા તેણે કહ્યું હતું કે તલાટીના તેમજ જીપીએસસીની પરીક્ષા પાસ કરાવનાર વ્યક્તિની સાથે મુલાકાત કરાવવાનું જણાવી તેને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો. બાદમાં તેણે વિદ્યાર્થિનીને ઉપરના માળે લઈ જઈ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો.

બાદમાં તેણે વિદ્યાર્થિનીના ફોટા પાડ્‌યા હતા ઉપરાંત આ શખસે વિદ્યાર્થિનીને તેના ફોટા વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી બીભત્સ માગણી કરી હતી. જોકે વિદ્યાર્થિનીને તેના પિતાને ફોન કરે છે તેવું કહેતા ગાડીમાં બેસાડી વિદ્યાર્થિનીને છરી બતાવી આ મામલે કોઈને કઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વિદ્યાર્થિનીએ તેની માતાને વાત કરી હતી. ગત તા.૪ એપ્રિલે મહેશે ફોન કરી વિદ્યાર્થિની પાસે બીભત્સ માંગણીઓ કરી હતી અને તે નહીં માને તો તેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ તેની વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે આઈ.પી.સી કલમ ૩૫૪ (એ) ,૫૦૬ (૨) ૨૯૪ (ખ) મુજબ ગુનો નોંધાવતા હાલ તો ભાજપમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે, તો આ મામલે સ્થાનિક રાજકારણ ગરમાતા વિપક્ષ કોંગ્રેસને પણ એક નવો મુદ્દો હાથ લાગ્યો છે.

Share This Article