અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી લોકસભાની જાફરાબાદ વિધાનસભા વિસ્તાર ખાતે યોજાયેલ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી રાષ્ટ્રના નેતૃત્વની પસંદગી માટેની હોઇ, આ ચૂંટણીનું પોતાનું આગવું મહત્વ છે. મ્યુનિસિપાલિટી કે પંચાયતની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ હોય છે જેવા કે ગટર-પાણી-વિજળી. રાજ્યની ચૂંટણીમાં વિસ્તારના વિકાસની ચર્ચા હોય છે, જ્યારે લોકસભાની ચૂંટણીમાં દેશના પ્રશ્નોની ચર્ચા હોય છે, દેશ કોના હાથમાં સલામત છે તેની ખાસ ચર્ચા થતી હોય છે. ભારત દેશ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં સલામત, સમૃધ્ધ અને સક્ષમ છે. ભાજપા ભારત દેશને દુનિયાના સૌથી શક્તિશાળી અને આર્થિક રીતે સંપન્ન દેશ બનાવવાનું સ્વપ્ન લઇને ચાલી રહી છે. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં તથા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો હાથ પકડનારા ડૂબ્યાં જ છે.
ઉરીની ઘટના પછી સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને ભારતે પોતાનું સામર્થ્ય પૂરવાર કર્યું છે. જાત-પાત-ધર્મના આધારે દેશને તથા રાજ્યને વિભાજીત કરવાની કોંગ્રેસની વોટબેંકની રાજનીતિને દેશની પ્રજા સુપેરે ઓળખી ચૂકી છે. કોંગ્રેસ અને ગઠબંધનમાં ભેગા થયેલી ટોળકીને ખબર છે કે, આ ચોકીદાર વધુ પાંચ વર્ષ રહેશે તો આપણા બધાની ચોરી ખુલ્લી પડી જશે. આપણે બધા જેલના સળીયા પાછળ અવશ્ય જવાના છીએ. તેથી બધા ભેગા થઇને ગોકીરો મચાવી રહ્યા છે, મોદી હટાવો…મોદી હટાવો… જે પાર્ટીના ઘરમાં લોકશાહી ન હોય તે દેશમાં લોકશાહીનો સ્વીકાર કેવી રીતે કરી શકે? તે જણાવી સરદાર સાહેબ વિશે વાત કરતાં રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યોની કોંગ્રેસ કમિટિએ કે જેમાં કોંગ્રેસના મોટા ખમતીધર નેતાઓ હતા તેમણે સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા માટે પોતાના મત આપ્યા હતા જ્યારે પંડિત નેહરૂને આંગળીને વેઢે ગણાય તેટલા જ મત મળ્યા હતા છતાં કારસો રચીને સરદાર પટેલને અન્યાય કરીને વડાપ્રધાન બનવાથી રોકી દીધા હતા.
તે સમયે જો સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીરની સમસ્યા આજે સળગતી ન હોત. ભાજપાની સરકારે દેશના દરેક નાગરિકો બુનિયાદી જરૂરિયાતોથી વંચિત ન રહે તેને હંમેશા પ્રાધાન્ય આપ્યુ છે. સામાન્ય નાગરિકોની ચિંતા કરતી આ ભાજપા સરકારે સાથે સાથે મુળભૂત સૂવિધાઓ અને પ્રજાના સ્વસ્થ્યની દરકાર રાખીને અભૂતપૂર્વ ગતિથી કામગીરી કરી છે. ભાજપાની સરકારનો એકમાત્ર ધ્યેય છે કે એક નવા ભારતનું નિર્માણ કે જેના પ્રત્યેક નાગરિકોને મૂળભુત સુવિધાઓ ઉપલબ્ધ હોય, દરેક નાગરિક શિક્ષિત અને સુરક્ષિત હોય, વૈશ્વિક કક્ષાએ બદલાતા પ્રવાહો સાથે કદમ મિલાવવા સુસજ્જ હોય. આ પ્રસંગે રૂપાણીએ અંતમાં આહ્વાન કર્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં ૨૩ એપ્રિલના રોજ લોકશાહીનું પવિત્ર પર્વ યોજાવાનું છે, ત્યારે સૌ મતદારો આ પર્વને ધામધૂમથી ઉજવીને વિકાસની રાજનીતિને પ્રચંડ પ્રતિસાદ આપી વિજયી બનાવશે.