નવી દિલ્હી : ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે અપરાધિક કેસ દાખલ કરાવ્યો છે. આ મામલો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઇને દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન હાલમાં જ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટને પણ હવે આ વાતની ખબર પડી ગઈ છે કે ચોકીદાર ચોર છે. રાહુલના આ નિવેદન બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે માત્ર રાફેલ ડિલ ઉપર ફેરવિચારણા પર સુનાવણી કરવાની વાત સ્વીકારી છે. બીજી બાજુ કોંગ્રેસે પણ આ મામલામાં વડાપ્રધાન મોદીની સામે તિરસ્કાર દાખલ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સોમવારના દિવસે બંને અરજીઓ ઉપર સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. રાફેલની ખરીદીના મામલામાં અનિયમિતતાના મામલા પર સુપ્રીમ કોર્ટ તરફથી ફરી એકવાર સુનાવણી માટે સહમતિ દર્શાવવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટ તરફથી આ મામલા પર ફેરવિચારણાને લઇને કહ્યું છે કે, સરકારની ખોટી બાબત ફરી એકવાર સપાટી ઉપર આવી ગઈ છે.
જો કે, સુપ્રીમ કોર્ટે કેટલીક દલીલો સાંભળ્યા બાદ ફરી સુનાવણીનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે, અરજી કરનાર લોકોએ દલીલ કરી હતી કે, ૨૪મી નવેમ્બર ૨૦૧૫ની તારીખના દિવસે જારી કરવામાં આવેલા નોંધથી જાણી શકાય છે કે, સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ રાફેલ ડિલમાં પીએમઓની દરમિયાનગીરી અને ડિલ ઉપર સમાંતર ચર્ચા કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ભારત તરફથી આ ડિલ પર ચર્ચા કરનાર ટીમની સ્થિતિને નબળી કરવા માટેની દલીલો આપવામાં આવી હતી. આ ઉપરાંત દલીલોમાં કહેવામાં આવ્યું હતું કે, ફ્રાંસની કોમર્શિયલ ઓફરની સરકાર તરફથી ગેરન્ટી લેવામાં આવે તે જરૂરી હતી. બેંક તરફથી પણ ગેરન્ટી લેવાની જરૂર હતી.