નવી દિલ્હી : ચૂંટણી બોન્ડસની કાયદેસરતાને લઇને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે કહ્યુ હતુ કે તમામ રાજકીય પક્ષોને તેના હેઠળ મળનાર ફંડની માહિતી ચૂંટણી પંચને આપવી જાઇએ. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યુ છે કે તમામ રાજકીય પક્ષો ૧૫મી મે સુધી મળનાર ડોનેશનની માહિતી ૩૦મી મે સુધી ચૂંટણી પંચને સીલબંધ કવરમાં આપી દે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને ચૂંટણી બોન્ડસને લઇને મોટા નિર્ણય તરીકે ગણવામાં આવે છે.
સીજેઆઇ રંજન ગોગોઇ, જસ્ટીસ દિપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેંચે કહ્યુ હતુ કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાખુબ જરૂરી છે. જેથી આ બાબતને લઇને ચર્ચા જારી રહી છે. ઇલેક્ટોરલ બોન્ડસ મારફતે મળેલા ડોનેશનની રકમ અંગે ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે. ચીફ જસ્ટીસે ચુકાદો લખતા કહ્યુ છે કે તમામ રાજકીય પક્ષોને આજથી લઇને ૧૫મી મે સુધી ડોનેશનન માહિતી પંચને ૩૦મી મે સુધી સોંપવાની રહેશે. આ વિગતમાં તેમને ડોનેશનમાં મળેલી રકમ અંગે ખુલાસો કરવાનો રહેશે.
એવા ખાતાની વિગત પણ આપવાની રહેશે જેમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ મામલે ગુરૂવારના દિવસે પણ સુનાવણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યોહતો. કેન્દ્ર સરકારની આ સ્કીમની સામે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિપોર્મ દ્વારા જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. એનજીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભુષણ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ હતુ કે આ સ્કીમનો ઉદ્ધેશ્ય ચૂંટણી દરમિયાન બ્લેક મનીના દુરુપયોગને રોકવા માટેનો રહેલો છે.