જેટ એરવેઝની મુશ્કેલીમાં જોરદાર વધારો થઇ રહ્યો છે. હાલમાં કટોકટી વચ્ચે સ્થિતી એ ગઇ છે કે તેના કાફલામાં રહેલા ૧૨૩ વિમાનો પૈકી હવે માત્ર ૩૬ વિમાનો જ સેવામાં રહ્યા છે. તેના ૭૫ ટકા કરતા વધારે વિમાન હવે સેવામાં નથી. પગાર અને અન્ય કેટલાક પ્રકારની ચુકવણીના કારણે હાલત કફોડી બનેલી છે. આર્થિક સંકટ વચ્ચે જેટ એરવેઝની મુશ્કેલી હવે વધારે વધી ગઇ છે. બાકી ચુકવણી ન કરવાના કારણે જેટનુ એક વિમાન એમ્સટર્ડમમાં કબજામાં લઇ લેવામાં આવ્યુ છે.
આ વિમાન એમ્સટર્ડમથી મુબઇ આવનાર હતુ. એરવેઝના હજુ સુધી મોટા ભાગના વિમાન બંધ થઇ ગયા છે. જેટ એરવેઝની ફ્લાઇટ હાલમાં બંધ થઇ ગયા બાદ અન્ય એરલાઇન્સની ફ્લાઇટમાં ૧૦૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. આવી સ્થિતીમાં સરકારે બુધવારના દિવસે એરલાઇન્સ કંપનીએઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે લોન આપનાર બેંકોને કહ્યુ છે કે તેઓ પોતાના બીજા શેર પણ ગિરવે મુકવા માટે તૈયાર છે.
પરંતુ આના બદલે કંપનીને ૧૫૦૦ કરોડ રૂપિયાની રકમ મળી જાય તે જરૂરી છે. જો કે બેંકો તરફથી આ સંબંધમાં વલણ સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી. બીજી બાજુ જેટના બીજા સૌથી મોટા શેર હોલ્ડર ઇકિહાદે બેંકોની દરખાસ્ત પર ચર્ચા કરવા માટે બોર્ડ બેઠક બોલાવવા માટેની તૈયારી કરી છે. ઇતિહાદે પહેલા તો જેટના રિવાઇવલ પ્લાનનો હિસ્સો બનવાનો ઇન્કાર કરી દીધો હતો. જુની ચુકવણી ન થવાના કારણે ઇન્ડિયન ઓઇલ દ્વારા પણ વિમાનોને ફ્યુઅલ ન આપવાનો નિર્ણય કર્યો છે. સપ્લાય બંધ થવાના કારણે હાલત કફોડી બનેલી છે. જેટને જા તરત મદદ નહીં મળે તો સ્થિતી ખરાબ થશે.