અમદાવાદ : આજરોજ ગુજરાતના સપૂત – આદિવાસીઓના બેલી અને વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડનાર આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિજળીવેગે પ્રવાસમાં છે, ત્યારે સોનગઢ ખાતે એક વિશાળ જનમેદનીનું સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતીને દેશ અને દુનિયામાં એક આગવી દિશામાં લઇ જવામાં સફળ થયાં છીએ. સરદાર સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના કરી હતી. જ્યારે દેશના રજવાડાઓને એકત્રીત કરવામાં આવ્યાં ત્યારે નહેરૂએ સરદાર સાહેબને કહ્યું હતું કે, કાશ્મીરનો પ્રશ્ન મારા પર છોડી દો.
આજે કાશ્મીરની પરિસ્થિતિ શું છે, તે આપણે સૌ જાણીએ છીએ. કાશ્મીરમાંથી એક એવો અવાજ ઉઠ્યો છે કે, અમને એક અલગ વડાપ્રધાન જોઇએ. આ દેશની અંદર બે પ્રધાનમંત્રી હોય તે વાત દેશની જનતાને મંજૂર નથી. ડો. શ્યામાપ્રસાદ મુખરએ કહ્યું હતું કે, આ દેશમાં બે પ્રધાન બે સંવિધાન કોઇપણ સંજોગોમાં ચાલી ન શકે. સરદાર સાહેબ કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચતા હતાં, ત્યારબાદ મોરાર દેસાઇ અને અત્યારે તેઓ મને સહન કરી શકતાં નથી. કોંગ્રેસ મનમાં ગાંઠ વાળીને બેઠી છે કે, કોઇપણ હિસાબે મોદીને પતાવી દો. મને તો ગુજરાતે ઘડ્યો છે, તો હું ક્યાંથી ગાંજ્યો જાઉ. પાડોશમાંથી આતંકવાદ એક્સપોર્ટ કરવામાં આવે છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સરદાર સાહેબની વિચારધારાથી વિપરીત છે. પાકિસ્તાન સુરક્ષાબળો સામે બેફામ નિવેદનો કરે છે ત્યારે કોંગ્રેસ પણ એવા જ નિવેદનો કરીને તેમના સૂરમાં સૂર મિલાવે છે. દેશના ટુકડે ટુકડા કરનારી ગેંગ દેશદ્રોહી ન કહેવાય તો શું કહેવાય ? કોંગ્રેસ કહે છે કે, જો અમે સત્તામાં આવીશું તો રાષ્ટ્રદ્રોહનો કાયદો કાઢી નાંખીશું.
સેનાના અધિકારી પર સરકારની પરવાનગી વગર કાનૂની કાર્યવાહી કરવાની છૂટ આપીશું. દેશની જનતા સામે કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં આવા પ્રકારના રાષ્ટ્રવિરોધી વચનો આપી યેનકેન પ્રકારેણ વોટબેંકની રાજનીતિ કરી સત્તા હાંસલ કરવા મથી રહી છે, ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી ગણી શકાય કે નહીં તે આ દેશની જનતાએ નક્કી કરવાનું છે. પહેલાં દેશમાં આતંકવાદી હુમલાઓ થતાં હતાં. આપણાં ગુજરાતમાં પણ જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે આતંકી હુમલાઓ થયા છે, ત્યારે મેં આતંકવાદીઓના સ્લીપરસેલને ખતમ કરવાનું સૌ પ્રથમ કામ કર્યું હતું, જેના પરિણામે આજે પણ ગુજરાતની જનતા સલામતીનો અનુભવ કરી, એકતાથી, સદભાવનાથી રહે છે. હાલ, મેં દેશના પ્રધાનમંત્રી તરીકે આ જ કામ કરવાનુ ચાલુ રાખ્યું છે, કારણ કે, મારા ગુજરાતની જેમ મારા દેશની જનતા પણ સુખ, સમૃધ્ધિ, સલામતી, એકતા અને સદભાવનાથી તેઓનું જીવન વ્યતિત કરી શકે. દેશમાં હાલ બે પ્રકારના કેન્સર ચાલી રહ્યાં છે, એમાં એક તો આતંકવાદ છે, આતંકવાદ કોંગ્રેસના શાસન દરમ્યાન વકર્યો, જેને ભાજપા જડમૂળથી ખતમ કરવાની દિશામાં કાર્ય કરી રહી છે,
જ્યારે કોંગ્રેસ અને તેમના સમર્થક પક્ષો આતંકવાદને અને આતંકવાદના આકાઓનું પોષવાનું તથા તેમના ચૂંટણી ઢંઢેરા મારફતે દેશની જનતા સમક્ષ આવા વચનો આપી ખુલ્લું સમર્થન કરવાનું કાર્ય કરી રહી છે. જે લોકોને દેશની સેના અને તેના પરાક્રમ પર વિશ્વાસ ન હોય, સેનાના શૌર્યના સબૂત માંગતા હોય, અને પાકિસ્તાનની ભાષા બોલતા હોય તેવા લોકોને ઓળખી લેવાનો સમય આવી ગયો છે. જ્યારે બીજા પ્રકારનું કેન્સર એ ભ્રષ્ટાચાર છે. ૨૦૧૪ પહેલાં કોંગ્રેસના કુશાસન દરમ્યાન ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં થતો હતો. પરિણામે ગરીબો વધુ ગરીબ બન્યાં હતાં. બેરોજગારોની ફોજ પણ આવા ભ્રષ્ટાચારના કારણે તેમના જ શાસનમાં ઉભી થયેલી છે. ચોકીદાર ચોર છે, તેવું કહેનારાઓના મળતીયાઓ પાસેથી ભોપાલમાંથી કોથળા ભરીને કાળાનાણાં પકડાય છે, તો ચોર કોણ છે ? મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યે હજી ગણત્રીના જ મહિનાઓ થયાં છે, ત્યાં તો તેઓ પોતાની જુની આદત ઉપર ઉતરી આવ્યાં અને આટલું બધુ ભેગું કરી નાંખ્યું, જો હવે દેશનું સુકાન માત્ર પાંચ મીનીટ માટે તેમને સોંપવામાં આવે તો તે દેશનું ભલે કરે કે પોતાનું ભલું કરે ? છેલ્લાં પાંચ વર્ષમાં આપણી સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાનો મોકો કોઇને આપ્યો નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, છ મહિના પહેલાં બધી પાર્ટીઓ એક જ મંચ ઉપર ભેગી થઇ, હાથમાં હાથ મિલાવી, મોદીને પાડી દેવાની વાતો કરે છે. તેઓનો એક જ મુદો છે કે, મોદી હટાવો…. મોદી હટાવો…. જ્યારે ભાજપાનો એક જ મુદો છે, ગરીબી હટાવો, બેકારી હટાવો, ભ્રષ્ટાચાર હટાવો. આજે આદિવાસી, ગરીબ, વંચિત, પિડીત, શોષીત દરેકના મોઢે એક જ વાત છે, કોંગ્રેસ હટાવો, ગરીબી આપોઆપ હટી જશે. ભાજપા આગામી લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં તેમની આવક બે ગણી કરવા તથા ખેડૂતો ખેતીની સાથે સોલાર પેનલ નાંખી વિજળી ઉત્પન્ન કરી, વિજળી વેચીને તેમાંથી આવક ઉત્પન્ન કરી શકે તેવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે. કિસાન સન્માન નીધિ યોજના હેઠળ નાના ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત ૨૦૦૦ આપીને તેમાંથી કૃષિને લગતાં ખાતર, બીજ, દવાઓ વગેરેની ખરીદી કોઇની પાસે દેવું કર્યા સિવાય કરી શકે છે.
આ કિસાન સન્માન નીધિ યોજનાનો લાભ દેશના ૩ કરોડ ખેડૂતો સુધી પહોંચી ગયો છે, ત્યારે આગામી તા. ૨૩મી મે, ૨૦૧૯ પછી કેન્દ્રમાં એન.ડી.એ.ની સરકાર બન્યાં બાદ આ યોજના હેઠળ દેશના તમામ ખેડૂતોને સમાવવાની કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં પહેલા એવો કાયદો હતો કે, જો તમે વાંસ કાપો તો તમારે જેલમાં જવું પડે, આપણે નક્કી કર્યું કે, વાંસ એ ઝાડ નથી પરંતુ છોડ છે, તેને કાંપવાથી કોઇ નૂકશાન થતું નથી, અને ફરીથી તે છોડ ઉછરે છે. આદિવાસીઓને વાંસમાંથી આવક મળી રહે તે માટે આ કાયદાને દૂર કરવામાં આવ્યો છે.