અમદાવાદ : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની મ્યુચ્યુઅલ ફંડ પાંખ અને ભારતમાં અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ગૃહમાંની એક આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ (એબીએસએલએમએફ)એ સેન્ચ્યુરી એસઆઈપી (સીએસઆઈપી) ફેસિલિટી સાથે કોઈપણ વધારાના ખર્ચ વિના રૂ. ૫૦ લાખ સુધીના જીવન કવચ સાથે એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) ઓફર રજૂ કરે છે. અગાઉ સીએસઆઈપી માત્ર ચોક્કસ ઈક્વિટીલક્ષી યોજનાઓ સાથે ઓફર કરવામાં આવતી હતી, પરંતુ હવે વ્યક્તિ સીએસઆઈપી ફેસિલિટી સાથે ડેટ સ્કીમ્સમાં રોકાણની પસંદગી પણ કરી શકશે. આ સાથે એબીએસએલએમએફ તેના રોકાણકારોને સીએસઆઈપી હેઠળ અસ્કાયમત વર્ગોના સંતુલન અને વૈવિધ્યકરણની સુવિધા પૂરી પાડે છે.
આ યોજના હેઠળ રોકાણની સંપૂર્ણ મુદત અથવા ૬૦ વર્ષની વય બેમાંથી જે પહેલાં હશે તેના માટે જીવન કવચ પણ પૂરું પાડશે. આ યોજના મારફત રોકાણકાર બધી જ સ્કીમ્સ/ પ્લાન્સ/ મ્યુચ્યુઅલ ફંડના ફોલિયો પર પ્રતિ રોકાણકાર માસિક સીએસઆઈપી હપ્તાના ૧૦૦ ઘણા સુધી અથવા રૂ. ૫૦ લાખ (જે ઓછી રકમ હશે તે)ના જીવન કવચના લાભ મેળવી શકશે. જોકે, આ માટે રોકાણકારે પ્રથમ ત્રણ વર્ષ માટે સીએસઆઈપીમાં નિયમિત રોકાણ કરવાની જરૂર રહેશે. રોકાણકાર સીએસઆઈપી મુદત પૂરી થાય તે પહેલાં અધવચ્ચે (પૂર્ણ/ આંશિક) તેનું રોકાણ રીડીમ કરાવશે તો વીમા કવચ બંધ થઈ જશે. સીએસઆઈપી ફેસિલિટી અંગે ટીપ્પણી કરતાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના સીઈઓ એ. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, એસઆઈપી દ્વારા પૂરી પાડવામાં આવતી સાનુકૂળતા અને ફ્લેક્સિબિલિટી તેને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે રોકાણકારોમાં લોકપ્રિય બનાવે છે. સીએસઆઈપી એસઆઈપીનો અવકાશ વ્યાપક બનાવે છે. સેન્ચ્યુરી એસઆઈપીમાં રોકાણકારે પહેલા ૩ વર્ષ માટે નિયમિત રોકાણ કરવાનું રહે છે. ફરજિયાત રોકાણનો સમય રોકાણ શિસ્ત વિકસાવવામાં, લાંબાગાળે રોકાણકારને વળતર આપવામાં, ચક્રવૃદ્ધિ વ્યાજની અસરમાં મદદરૂપ થાય છે. અમે અમારા રોકાણકારોને લાંબાગાળા માટે રોકાણ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ,
કારણ કે લાંબાગાળાના રોકાણથી રોકાણનું વધુ સારું વળતર મળે છે. આ બધાની સાથે સીએસઆઈપીમાં રોકાણ પર ૬૦ વર્ષની વય સુધી રોકાણની મુદત માટે કોઈપણ વધારાના ખર્ચ વિના જીવન કવચ મળે છે. અમારા છેલ્લા બે એનએફઓ એબીએસએલ બાળ ભવિષ્ય યોજના અને એબીએસએલ નિવૃત્તિ ફંડ દર્શાવે છે કે રોકાણકારો નિશ્ચિત લોક-ઈન સમય છતાં લાંબાગાળાના રોકાણમાં રોકાણનું મહત્વ સમજે છે. કુલ એસઆઈપી અરજીઓના બંને કિસ્સામાં સીએસઆઈપી નોંધપાત્ર ગણતરી હતી અને આ એવી દરખાસ્ત હતી જે રોકાણકારો માટે વીન-વીન છે.
વર્ષ ૧૮થી ૫૧ના વયજૂથમાં હોય તેવી કોઈપણ વ્યક્તિ સીએસઆઈપી હેઠલ જીવન કવચની વૈકલ્પિક સુવિધા મેળવવા માટે પાત્ર છે. જીવન કવચ તેની સીએસઆઈપી મારફત રોકાણકારના માસિક યોગદાનની કન્ટીન્યુઈટી અને કદ પર આધારિત છે. કવચ માટેની સરળ ફોર્મ્યુલા ૧૦-૫૦-૧૦૦ ઘણી છે. આ જીવન કવચ પ્રથમ ત્રણ વર્ષ માટે વધતું રહેશે. પહેલા વર્ષમાં તે માસિક સીએસઆઈપીના ૧૦ ઘણું હશે, બીજા વર્ષમાં તે માસિક સીએસઆઈપી રકમના ૫૦ ઘણું થશે અને ૩જા વર્ષમાં માસિક સીએસઆઈપી રકમના ૧૦૦ ઘણું થશે. જો કે તેમાં મહત્તમ કવચ રૂ. ૫૦ લાખ સુધીનું રહેશે. સીએસઆઈપી શરૂ થયા બાદ ત્રણ વર્ષ પહેલાં તે રદ થઈ જશે તો જીવન કવચ બંધ થઈ જશે. નિયમિત સીએસઆઈપીના ત્રણ વર્ષ પૂરા થયા પછી રોકાણકાર ૬૦ વર્ષનો થાય ત્યાં સુધી જીવન કવચ ચાલુ રહેશે. રોકાણકાર ૩ વર્ષ પછી રકમ રીડીમ ન કરાવે પરંતુ એસઆઈપી અટકાવી દે તો પણ જીવન કવચ પ્રત્યેક પોલિસી વર્ષની શરૂઆતમાં સીએસઆઈપી હેઠળ એકત્રિત વેલ્યુના સમકક્ષ રહેશે.