નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ મામલા પર નિર્ણય લેવાનો અધિકાર ચૂંટણી પંચની પાસે છે. તેમણે જ આ અંગે નિર્ણય લેવો પડશે. ફિલ્મ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મ આદર્શ આચારસંહિતાનો ભંગ કરે છે. કોર્ટે અરજીને ફગાવી દઇને કહ્યું છે કે, હજુ સુધી સેન્સરબોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી.
ફિલ્મ દર્શાવવા બાબત પણ તેમની જ છે. સાથે સાથે આ ફિલ્મના કારણે ચૂંટણી યોજવામાં જા કોઇ પરેશાની આવે છે તો આના અંગે પણ માત્ર ચૂંટણી પંચ જ નિર્ણય લઇ શકે છે. જો આ ફિલ્મ આચારસંહિતાનો ભંગ કરે છે તો ચૂંટણી પંચે જ નિર્ણય લેવો જાઇએ. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, માત્ર બે મિનિટના ટ્રેલરને જોઇએને આ બાબત નક્કી કરી શકાય નહીં કે, ફિલ્મ મોદીની બાયોપિક છે અને વોટર્સને પ્રભાવિત કરી શકે છે.
મામલા ઉપર ધ્યાન આપી રહેલા લોકોનું કહેવું છે કે, કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી કહી ચુક્યા છે કે, ફિલ્મના ગીત ભાજપના પ્રચારમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ટ્રેલરમાં કેટલાક એવા સીન રાખવામાં આવ્યા છે જે મતદારોને પ્રભાવિત કરી શકે છે. અરજી કરનાર લોકોનું કહવું હતું કે કોર્ટ ફિલ્મના નિર્દેશકને ફિલ્મની નકલ આપવા માટે આદેશો જારી કરે. જા કે, કોર્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી. ફિલ્મના નિર્દેશકોના કહેવા મુજબ આ ફિલ્મ ૧૧મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં વિવેક ઓબોરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં નજરે પડનાર છે.