સુરત શહેર માટે સુડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરીડોર તરીકે વિકાસ કરવા માટે ૨૬૬૯ હેકટરમાં ૧૧ નગર રચના યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતા તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ આ પ્રોજેકટને મંજુરી આપી સુડા તેમજ મ્યુ. કમિશનરને તાત્કાલિક કામગીરી હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમણે આગામી માર્ચ-ર૦૧૯ સુધીમાં આ રીંગરોડની કાર્યવાહી પૂર્ણ કરવા પણ સુચવ્યું હતું.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, ર૭ કી.મી. લંબાઇનો ૯૦ મી. રીંગરોડ પ્રથમ તબકકે ૪ર મી. પહોળાઇમાં ૬ લેન તેમજ સર્વિસ રોડ રાખવામાં આવશે. તે સિવાય રર નાના બ્રીજ, એક તાપી નદી પરનો બ્રીજ અને બે ફલાય ઓવર બનાવવામાં આવશે. રેલ્વે લાઇન, ક્રીક/કેનાલ ઉપરથી પસાર થવા માટે ૩ રેલ્વે ઓવરબ્રીજ, ર૬ કલવડ અને પ ક્રીક/કેનાલ અન્ડરપાસ બનાવવામાં આવશે. આ બધાનો ખર્ચ રૂા. ૬૦૦ કરોડ થશે.
આ રીંગરોડને મંજુરી મળતાં સુરત મહાનગરના વર્ષો જૂના પડતર પ્રશ્નનું નિવારણ આવશે. એટલું જ નહિ, સુરત શહેરના વિકાસને નવી ગતિ મળશે અને ટ્રાફિક સમસ્યા પણ મહદઅંશે દૂર થશે.