લાતુર : મહારાષ્ટ્રમાં તમામ મતભેદો ભુલીને લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કરનાર ભાજપ અને શિવસેનાના સંબંધોમાં ફરી એકવાર સારા સંકેત દેખાઈ રહ્યા છે. ૨૦૧૪માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ બંને પક્ષો વચ્ચે મતભેદો દેખાવવા લાગી ગયા હતા. શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપની સામે સતત પ્રહારો કરી રહી હતી. અલબત્ત ભાજપ પ્રમુખ અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્ર દેવેન્દ્ર ફડનવીસ અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે મળીને મતભેદો દૂર કરી ચુક્યા છે. લાતુરમાં આ સંબંધ આજે એ વખતે વધારે મજબૂત દેખાયા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે એકબીજાના હાથ પકડીને ૨૮ મહિનાના ગાળા બાદ એક મંચ પર આવ્યા હતા. આ ફોટાના કારણે તેમની વચ્ચે તમામ મતભેદો દૂર થયા હોવાના સંકેત મળવા લાગી ગયા છે.
મોદી અને ઉદ્ધવ ઠાકરે માત્ર મંચ ઉપર એક સાથે હાથ પકડીને નજરે પડ્યા ન હતા બલ્કે વડાપ્રધાને ઉદ્ધવના ખભા ઉપર હાથ મુકીને વાતચીત પણ કરી હતી. આ પહેલા શિવસેના દ્વારા વડાપ્રધાન ઉપર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા હતા. ભાજપના વડા અમિત શાહે કહ્યું હતું કે, બંને પક્ષો હવે મતભેદો ભુલી ચુક્યા છે અને એકમંચ પર સાથે આવી ગયા છે.
આ ગઠબંધન રાજ્યમાં ૪૫ સીટો જીતી જશે. ભાજપના વડા અમિત શાહએ એમ પણ કહ્યું હતું કે, બંને પાર્ટીઓના સમર્થકોનું કહેવું છે કે, શિવસેના અને અકાળી દળે હંમેશા સારા અને ખરાબ સમયમાં ભાજપનો સાથ આપ્યો છે. આજ કારણસર મતભેદો ભુલી બંને પાર્ટીઓ ફરી સાથે આવી છે. મહારાષ્ટ્ર સરકારે પણ ભ્રષ્ટાચારને દૂર કરવામાં મોટી ભૂમિકા અદા કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે, આ સમયે મતભેદ ભુલાવીને સાથે આવવાનો છે. કેટલાક લોકો ભાજપ અને શિવસેનાને લડાવવા માટે ઇચ્છુક છે.