નવી દિલ્હી : લોકસભા માટેની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે હાલમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં દાવો કરવામા આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએને ફરી એકવાર બહુમતિ મળી જશે. એનડીએ દેશભરની ૫૪૩ લોકસભા સીટો પૈકી ૨૭૯ સીટો મેળવી જશે.
બહુમતિ માટે જરૂરી સીટ કરતા વધારે સીટો મળી જશે. યુપીએને ૧૪૯ સીટો અને અન્યોને ૧૧૫ સીટો મળી શકે છે. ટાઇમ્સ નાઉ અને વીએમઆરના સર્વેમાં આ મુજબની માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ૨૫ સીટોનુ નુકસાન થઇ રહ્યુ છે. જા કે અહીં પણ પાર્ટ ૫૦ સીટો જીતી શકે છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે પાર્ટીને ૭૩ સીટો મળી હતી. મધ્યપ્રદેશમાં ભાજપને ૨૦ સીટો મળી શકે છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ-શિવસેનાને ૩૮ સીટો મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી.
આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે.
આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.