નવી દિલ્હી : મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નજીકના લોકો અને અન્યો સામે આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહીથી એકબાજુ ભારે ખળભળાટ મચી ગયો છે. આ દરોડાની કાર્યવાહીમાં ૨૮૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બિનહિસાબી સંપત્તિ કબજે કરવામાં આવ્યા બાદ ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. આ મોટી કાર્યવાહીને અંજામ આપવા માટે આવકવેરા વિભાગની ૩૦૦ અધિકારીઓની ટીમ કામે લાગી હતી. આ ગાળા દરમિયાન ચાર રાજ્યોમાં ૫૨ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિભાગે કહ્યુ છે કે કેટલાક દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને દિલ્હીવચ્ચે શંકાસ્પદ ચુકવણી સાથે સંબંધિત ડાયરી અને કોમ્યુટર ફાઇલો જપ્ત કરવામાં આવી છે. ૨૦ કરોડ રૂપિયા તો તુગલક રોડ પર રહેતી કોઇ વ્યક્તિના આવાસ પરથી દિલ્હીના કોઇ મોટી રાજકીય પક્ષના હેડક્વાટર્સમાં જનાર હતી. કેટલાક પુરાવાના આધાર પર તપાસ ચાલી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નજીકના લોકોની સામે હાલમાં બે દિવસ સુધી ઉંડી તપાસનો દોર ચાલ્યો હતો. પાટનગર ભોપાલમાં આઇટી વિભાગની ટીમે મુખ્યપ્રધાનના ઓએસડી પ્રવીણ કક્કડના એસોસિએટ અશ્વિન શર્માના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા રવિવારના દિવસે ભોપાલમાં અંસલ એપાર્ટમેન્ટ ના તેમના બે આવાસ પર પ્લેટિનમ પ્લાજામાં એક ફ્લેટ પર તપાસ હાથ ધરી હતી. રવિવારના દિવસે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કર, સલાહકાર રહી ચુકેલા રાજેન્દ્રકુમાર અને ભોપોલના પ્રતિક જાશી તેમજ અશ્વિન શર્માના આવાસ ઉપર આવકવેરા વિભાગે વહેલી પરોઢે વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો.
દિલ્હીમાંથી આવેલા ૧૫થી વધારે આવકવેરા અધિકારીઓએ કક્કડના ઇન્દોર સ્થિત આવાસમાં તપાસ કરી હતી. ભોપાલમાં કમલનાથના કેટલાક નજીકના લોકોના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા શોભા ઓઝા અને નરેન્દ્ર સલુજાને ત્યાં પણ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી. આ દરોડા હવાલા મારફતે નાણાંની લેવડદેવડના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સહિત ૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
દિલ્હીની ટીમે પ્રદેશ પોલીસની મદદની જગ્યાએ પ્રથમ વખત સીઆરપીએફ ટીમનો ઉપયોગ કર્યો હતો. સીઆરપીએફની ટીમમને છ ગાડીઓ સાથે દિલ્હીથી લઇને પહોંચી હતી. આવકવેરા વિભાગની ટીમ દિલ્હીથી ચોથી એપ્રિલના દિવસે ભોપાલ માટે રવાના થઇ હતી. દરોડા પાડવા માટે રજા ઉપર પહોંચેલા મહિલા કર્મીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી હતી.દિલ્હીના પોશ વિસ્તારમાં કેટલીક સંપત્તિની માહિતી મળી છે. વિભાગની ટીમે કમલનાથના નજીકના લોકો અને અન્યોના ૫૨ સ્થળો પર એક સાથે કાર્યવાહી હાથ ધરી હતી.
વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન આડે ખુબ ઓછા દિવસ રહ્યા છે ત્યારે દરોડાના કારણે ખળભળાટ મચી ગયો હતો.રાજકીય દ્ધેશભાવ રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. લોકોને ભયભીત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.