કાબૂલ : અફઘાનિસ્તાનના બદઘિસ પ્રાંતમાં સૈનિકો અને તાલિબાની ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે. આ અથડામણમાં ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે ૧૨ જવાનો શહીદ થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આજે આપવામાં આવી હતી. ચોથી એપ્રિલના દિવસે તાલિબાન દ્વારા જિલ્લાના કેટલાક સુરક્ષા ચેકપોસ્ટને નષ્ટ કરી દીધા હતા. શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓએ હુમલાઓ શરૂ કર્યા હતા.
આતંકવાદીઓને જિલ્લાઓથી બહાર ખદેડી મુકવા સેનાએ મોટાપાયે ઓપરેશન હાથ ધર્યું હતું. ત્રાસવાદીઓએ બચવા માટે સ્થાનિક લોકોના આવાસોને હેડક્વાર્ટર બનાવી લીધા હતા જેથી સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને સુરક્ષા દળોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. ભીષણ લડાઇ હજુ પણ જારી છે. બદઘિસના બાલામુર્ગ હબ જિલ્લા તુર્કમેનિસ્તાનની સરહદ નજીક હોવાથી આ વિસ્તાર રાજદ્વારી દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે જે દેશના પશ્ચિમ અને ઉત્તરીય પશ્ચિમી પ્રાંતોને પારસ્પર જાડે છે.
મંત્રાલયના કહેવા મુજબતાલિબાન સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં અફગાન નેશનલ આર્મીના આઠ અને પોલીસના ચાર જવાન શહીદ થયા છે. આ કાર્યવાહીમાં સેનાના ૧૦ જવાન અને પોલીસના ૨૪ જવાન ઘાયલ થયા છે. ૧૦૦ તાલિબાની ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. મોટીમાત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તાલિબાની ત્રાસવાદીઓ ફરી એકવાર સક્રિય થઇ રહ્યા છે. સુરક્ષા દળોએ રેડક્રોસના કર્મીઓને તાલિબાની ત્રાસવાદીઓના મૃતદેહ દૂર કરવા માટે મદદની વાત કરી છે. તાલિબાની ત્રાસવાદીઓ ફરી એકવાર સેનાની સામે જટિલ સમસ્યા ઉભી કરી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.