અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે માત્ર છ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટી, કમળા અને ટાઇફોઇડના અનેક કેસો સપાટી ઉપર આવ્યા છે જેથી તંત્રમાં સનસનાટી મચી ગઈ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ શહેરમાં ગરમીથી બચવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કમરકસી લીધી છે. બીજી બાજુ રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. એપ્રિલ ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૦૧૨૯૨ લોહીના નમૂનાની સામે છઠ્ઠી એપ્રિલ ૨૦૧૯ સુધીમાં ૨૩૭૦૬ લોહીના નમૂનામાં તપાસ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.
એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ગયા વર્ષે ૧૮૧૬ જેટલા સિરમ સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી જેની સામે આ વર્ષે છઠ્ઠી એપ્રિલ સુધીમાં ૧૭૪ સિરમ સેમ્પલોમાં તપાસ કરવામાં આવી છે. માત્ર છ દિવસના ગાળામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સ્પષ્ટપણે નજરે પડે છે. પાણીજન્ય રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રદૂષિત પાણીથી કોઇ અસર ન થાય તે માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. ક્લોરિન ટેસ્ટ થઇ રહ્યા છે.
બેક્ટિરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવા માટે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. માર્ચ ૨૦૧૯માં ૨૨૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૫૯ નમૂના પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. છઠ્ઠી એપ્રિલ ૨૦૧૯ સુધીમાં ૫૫ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે.