નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે આજે ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે આને ઝાસાપત્ર તરીકે ગણાવીને ટિકા કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો હજુ જારી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, ભાજપે માફીનામુ જારી કર્યું હોત તો વધારે સારી બાબત રહી હોત. છેલ્લા પાંચ વર્ષમાં કોઇ કામ કરવામાં આવ્યા નથી.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના ઘોષણાપત્રમાં સ્પષ્ટપણે જાઈ શકાય છે. કવરપેજ ઉપર અમારા ઘોષણાપત્રમાં લોકોની ભીડ જાઈ શકાય છે જ્યારે ભાજપના ઘોષણાપત્રમાં માત્ર એક વ્યક્તિ દેખાય છે. ભાજપનો ઘોષણાપત્ર જુઠ્ઠાણાને રજૂ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપના ઘોષણાપત્ર સાઇટ ઉપર જ રહી જાય છે. કોઇ સમયે ચાવાળા, કોઇ સમયે ચોકીદાર, કોઇ સમયે કામદાર અને ક્યારેક ફકીર અને ક્યારેક અન્ય શબ્દનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
પટેલે કહ્યું હતું કે, ભાજપે ક્યારેય વચન પાળ્યા નથી. જે રીતે વચન આપવામાં આવ્યા છે તે ચાલનાર નથી. પાંચ વર્ષમાં ભાજપને હિસાબ આપવાની જરૂર છે તો બેરોજગારી, ખેડૂતો અને વેપારીઓ માટે જે વચન આપવામાં આવ્યા હતા તેમાં શું થયું છે. રોજગારીને લઇને કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ભાજપના આ ઘોષણાપત્રમાં દેશ સાથે કોઇ લેવા દેવા નથી.
કોંગ્રેસે જે વચન આપ્યા છે તે નક્કર દેખાઈ આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હવે ન્યાય કરવામાં આવશે. કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, ભાજપના ઘોષણાપત્રમાં કોઇ નક્કર બાબતોનો ઉલ્લેખ કરાયો નથી. કાળા નાણાંને લઇને કોઇ વાતનો ઉલ્લેખ નથી. બેરોજગારી ઉપર કોઇ વાત કરવામાં આવી નથી.