નવી દિલ્હી : ભાજપના સંકલ્પપત્ર નામથી ઘોષણાપત્ર જારી કરતી વેળા આયોજિત કાર્યક્રમમાં તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે અને આગળ પણ જે કહ્યું છે તે કરીને જ જંપીશું. તેમણે કહ્યું હતું કે, ત્રણ તલાકની સામે મુસ્લિમ મહિલાઓને અમે ન્યાય આપવા માટે કટિબદ્ધ છીએ. દરેક પરિવારને પાકા મકાન અને ગ્રામિણ પરિવારોને ગેસ સિલિન્ડરની સુવિધા આપવામાં આવશે. લો સંસ્થાઓમાં સીટોની સંખ્યા વધારવામાં આવશે. એન્જિનિયરિંગ કોલેજાની સંખ્યા વધારવામાં આવશે.
રાજનાથસિંહે કહ્યું હતું કે, અનેક મોટા વચનો અગાઉ અપાયા હતા જે પુરા કરાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યસભામાં ચૂંટણી એક સાથે યોજાય તેવા પ્રયાસ કરવામાં આવશે. રાજનાથસિંહે ઉમેર્યું હતું કે, તમામ બાબતોને ધ્યાનમાં લઇને આ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યો છે. સંકલ્પપત્રના નિર્માણમાં જનભાગીદારીની ખાતરી કરવા તમામ પગલા લેવામાં આવ્યા છે. ભારતના મનની વાતને જાણવા માટે લાંબો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૩૦૦ રથ, ૭૭૦૦ સૂચન પેટીઓ અને ૧૧૦થી પણ વધારે સંવાદ કાર્યક્રમ તેમજ ૪૦૦૦થી વધારે ભારતના મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયા મારફતે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. નિષ્ણાતોની સાથે ટીમના સભ્યો ગોઠવાયા હતા. છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓના આધાર પર સંકલ્પપત્ર તૈયાર કરાયો છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, રોકેટગતિએ વિકાસ થઇ રહ્યો છે.
તમામ ક્ષેત્રો અને તમામ વર્ગો સાથે વાતચીત કર્યા બાદ આ સંકલ્પપત્ર તૈયાર કરાયો છે. ૧૨ વર્ગમાં જુદી જુદી કમિટિ બનાવવામાં આવી હતી. દરેક વિષયમાં એક અલગથી સબકમિટિ બનાવવામાં આવી હતી. રાજનાથસિંહે એમપણ કહ્યું હતું કે, તમામ નાની નાની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે તેમના નેતૃત્વમાં એક કમિટિની રચના કરવામાં આવી હત. ૧૨ અન્ય લોકોને સામેલ કરાયા હતા.
રાજનાથસિંહે જુદા જુદા વિષયો ઉપર સંપૂર્ણ વિગતો આપી માહિતી આપી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે પણ આ પ્રસંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. સુષ્મા સ્વરાજે પણ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, અમારા ઘોષણાપત્રમાં હેડિંગ અને બીજા પક્ષોના હેડિંગમાં અંતર જાઈ શકાય છે. અમારી પાર્ટી સંકલ્પપત્ર લઇને આવી છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય દેશને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો રહેલો છે.