વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬મી એપ્રિલના દિવસે વારાણસીમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. ઉમેદવારીપત્ર દાખલ કરશે ત્યારે તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ સહિત ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. ૨૦૧૪ની જેમ જ આ વખતે પણ મોદી ઉમેદવારીપત્ર દાખલ કરતા પહેલા ૨૫મી એપ્રિલના દિવસે લંકાથી દશાશ્વરમેઘ ઘાટ સુધી આશરે ૧૦ કિલોમીટર સુધી રોડ શો યોજશે. સાથે સાથે શક્તિ પ્રદર્શન કરશે.
આગલા દિવસે ૨૬મી એપ્રિલના દિવસે બાબા વિશ્વનાથના દર્શન કરીને ઉમેદવારીપત્ર દાખલ કરશે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદીએ વારાણસી આવ્યા બાદ મલદહિયાથી કચેરી વિસ્તાર સુધી રોડ શો કરીને ઉમેદવારીપત્રો દાખલ કર્યા હતા. ભાજપ વારાણસી ક્ષેત્રના અધ્યક્ષ મહેશચંદ્ર શ્રીવાસ્તવે હાલમાં જ કહ્યું હતું કે, છઠ્ઠી એપ્રિલથી મોદી ચૂંટણી કચેરી કામમાં લાગી જશે. રોડ શો મારફતે મોદી વારાણસીથી સમગ્ર પૂર્વાંચલને આવરી લેવા પ્રયાસ કરશે. ધર્મનગરી ગણાતા વારાણસીમાં ઉત્તરપ્રદેશના રાજકારણમાં સૌથી વધારે ગરમી જોવા મળી રહી છે. લોકસભા સીટ ઉપર હંમેશા રોમાંચક રહી છે. આ સીટ પ્રદેશમાં જ નહીં બલ્કે દેશમાં કોંગ્રેસના ગઢ તરીકે ગણવામાં આવે છે. જો કે હવે સંઘની મજબૂત પકડના પરિણામ સ્વરુપે આ બેઠક ભાજપની મજબૂત સીટ બની ચુકી છે.
વારાણસીમાં શરૂઆતની ત્રણ ચૂંટણીને છોડી દેવામાં આવે તો હજુ સુધીના ત્રણ દશકથી પણ વધુ સમય ગાળામાં કોંગ્રેસ પાર્ટી માત્ર એક વખત જીત મેળવી શકી છે. ૧૯૯૧થી લઇને હજુ સુધી માત્ર ૨૦૦૪ની ચૂંટણીને છોડી દેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જીત થતી રહી છે. અહીં હેટ્રિક લગાવનાર કોંગ્રેસના બાબુ રઘુનાથસિંહ અને ભાજપના શંકરપ્રસાદ જયસ્વાલને જનતાએ ચોથી વખત સંસદમાં પહોંચવાની તક આપી ન હતી. વારાણસીમાં વર્ષ ૨૦૧૪માં ચૂંટણી ખુબ જ રોમાંચક બની હતી. ગુજરાતથી નિકળીને દેશની રાજનીતિમાં સક્રિય થયેલા મોદી વારાણસીમાં મેદાનમાં ઉતર્યા હતા. બીજી તરફ અરવિંદ કેજરીવાલે વારાણસીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેજરીવાલ ત્રણ લાખથી વધુ મતે છેલ્લી ચૂંટણીમાં પરાજિત થઇ ગયા હતા. આ વખતે પણ તેમની સામે કોઇ મજબૂત હરીફ દેખાઈ રહ્યા નથી.