નવી દિલ્હી : પાંચ મહિનાથી પણ ઓછા સમય ગાળામાં બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનની સાથે થયેલી બે દુર્ઘટનાના પરિણામે સંકટોનો સામનો કરી રહેલી દિગ્ગજ વિમાન કંપની બોઇંગને ભારે નુકસાન થયું છે. ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયામાં વિમાન દુર્ઘટના થયા બાદ બોઇંગે મેક્સ ૭૩૭નું ઉત્પાદન ૨૦ ટકા સુધી ઘટાડી દીધું છે. કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, તે મધ્ય એપ્રિલથી ૭૩૭ મેક્સ વિમાનના ઉત્પાદનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો કરશે. હાલમાં કંપની દર મહિને બાવન વિમાનો બનાવે છે જે હવે ઘટીને ૪૨ થઇ જશે. બોઇંગે કહ્યું છે કે, તે ઉંડાણ નિયંત્રણ કરનાર સોફ્ટવેર પર ધ્યાન આપવા માટે આ પગલા લેવા જઈ રહી છે.
હકીકતમાં કંપનીએ આ પગલું એમ જ લીધું નથીતે આ પહેલા પણ વિમાનના પુરવઠાને બંધ કરી ચુકી છે. કંપનીએ વિમાનોના ડિઝાઇન અને વિકાસ ઉપર નજર રાખવા માટે એક સમિતિ પણ બનાવી ચુકી છે. વિમાન દુર્ઘટનાઓ બાદ દુનિયાભરમાં આ વિમાનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. છેલ્લા દિવસોમાં બોઇંગને તેની હરીફ કંપની એરબસે જારદાર ફટકો આપ્યો હતો. એરબસને ચીને ૩૦૦ વિમાન વેચી દેવાના સોદાની જાહેરાત કરી હતી. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનો પર વિશ્વાસ ઉઠી રહ્યો છે જેથી એરબસ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
ચીન જ નહીં દુનિયાભરના જે દેશોએ બોઇંગને ૭૩૭ મેક્સ વિમાનના ઓર્ડર આપ્યા હતા તેની સમીક્ષ કરવામાં આવી રહી છે. બોઇંગ અને એરબસ વચ્ચે સ્પર્ધા તીવ્ર રહેલી છે પરંતુ હાલમાં એરબસને ફાયદો થઇ રહ્યો છે. અમેરિકામાં પણ કેટલાક પગલા લેવામાં આવ્યા છે. બે ભીષણ વિમાન દુર્ઘટનામાં ૩૪૬ લોકોના મોત થયા છે.