નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હજુ સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યક્રમમાં મોદી સરકાર ઉપર સંસ્થાઓને ખતમ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે છે તો બંધારણની મૂળ ભાવના રજૂ કરવામાં આવશે. આ સમયે દેશશક્તિ અને દેશભક્તિની નવી પરિભાષા દર્શાવવામાં આવી રહી છે. પોતાના લોકો સાથે જ ભેદભાવ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના જનસરોકાર ૨૦૧૯ કાર્યક્રમમાં ગાંધીએ કહ્યું હતું કે, કેટલાક વર્ષ પહેલા અમે વિચારતા ન હતા કે, અમને આવી સ્થિતિમાં અહીં એકત્રિત થવાની જરૂર પડશે. છેલ્લા કેટલાક સમયથી અમારા દેશના મૂળ આત્માને એક વિચારવામાં આવેલા કાવતરા હેઠળ કચડી નાંખવાના પ્રયાસ થઇ રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. આજે દેશભક્તિની નવી પરિભાષા દર્શાવવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર કરોડો દેશવાસીઓ પાસેથી તેમની લાઈફને વધારે શ્રેષ્ઠ બનાવવાની તકો આંચકી રહી છે. એવી નીતિઓ બનાવી રહી છે જે હેઠળ ઉદ્યોગપતિઓ અને મોટા કારોબારીઓને ફાયદો થઇ રહ્યો છે. અમને પૂર્ણ હિંમત સાથે વિરોધ કરવાની જરૂર છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના સત્તા પર પરત ફર્યા બાદ ચૂંટણી વચનો પૂર્ણ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, આમા કોઇ શંકા નથી. આ ચૂંટણીમાં જે વચનો આપવામાં આવ્યા છે તે વચનો સરકાર બન્યા બાદ અમલી કરવા એક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ભારતને એક એવા દેશ તરીકે બનાવવામાં આવશે જ્યાં સરકાર જે કહે છે તે પૂર્ણ કરે છે. સરકારના શબ્દો અને કર્મોમાં અંતર રહેવા જોઇએ નહીં.