જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા નજીક નવસેરા સેકટરમાં પાકિસ્તાની સેનાના જવાનોએ આજે ફરી એકવાર ગોળીબાર કર્ય હતો. અગાઉ પાકિસ્તાને ગુરૂવારના દિવસે સાંજે પૂંચ જિલ્લામાં અંકુશરેખાના બે વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. એલઓસી સાથે જાડાયેલા અનેક વિસ્તારમાં પાકિસ્તાને છેલ્લા આઠ દિવસના ગાળામાં અવિરતપણે ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે તંગદિલીપૂર્ણ સ્થિતિ રહી છે. પાકિસ્તાને આજે નવસેરા સેકટરમાં સેનાની ચોકીઓની પાસે મોર્ટાર ઝીંક્યા હતા. ત્યારબાદ ભારતીય જવાનોએ પાકિસ્તાનની હરકતનો જોરદાર જવાબ આપ્યો હતો.
ભારતીય જવાનોએ કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનને ફરી નુકસાન થયું છે. ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાના હેતુસર પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. સેનાએ તમામ જવાનોને સંપૂર્ણપણે એલર્ટ રહેવા સૂચના આપી છે. પાકિસ્તાને આ વખતે અંકુશરેખા પર સેનાની ફોરવર્ડ પોસ્ટ પર અનેક જગ્યાઓ પર ગોળીબાર કર્યો હતો. યુદ્ધ વિરામની આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી. અગાઉ પાકિસ્તાન તરફથી રાજારી અને પૂંચ જિલ્લામાં ગોળીબાર દરમિયાન બીએસએફના જવાનોએ પણ કાર્યવાહી કરી હતી. બીએસએફના એક જવાન શહીદ પણ થયા હતા.
પાકિસ્તાન તરફથી દુઃસાહસ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પાકિસ્તાની હવાઈ દળના ચાર એફ-૧૬ વિમાનો અને ડ્રોનને સોમવારના દિવસે ટ્રેસ કરવામાં આવ્યા હતા. જોકે ભારતની જવાબી કાર્યવાહીથા આ વિમાનો પરત ફર્યા હતા. ભારતીય સેનાએ અગાઉ પાકિસ્તાનની સાત ચોકીઓને ફુંકી મારી હતી. જેમાં અનેક પાકિસ્તાની જવાનોના મોત થયા હતા. જોકે પાકિસ્તાને તેના ત્રણ જવાનો માર્યા ગયા હોવાની વાત કબુલી હતી. ભારતીય સેના અંકુશરેખા પર આક્રમક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહી છે.