અમદાવાદ : લોકસભાની ચૂંટણી લડવાની પાસ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મહેચ્છા પર આખરે આજે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. હાર્દિકની અરજી પર સુપ્રીમકોર્ટમાં કોઇ સુનાવણી હાથ ધરી શકાઇ ન હતી અને બીજીબાજુ, આજે ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ઉમદેવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો, જેને લઇ હવે હાર્દિકને ચૂંટણી લડવાને લઇ તમામ ઔપચારિકતાઓ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. તો હાર્દિક તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં ભારે આશ્ચર્ય વચ્ચે આજે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં તેને દોષિત ઠરાવતા ટ્રાયલ કોર્ટના હુકમ સામે સ્ટેની અરજી પર સુનાવણી માટેનો કોઇ આગ્રહ રખાયો ન હતો.
જેને પગલે લોકસભા ચૂંટણી લડવા મામલે હવે હાર્દિકનું પિક્ચર પૂરું થઇ ગયુ હતું. સુપ્રીમકોર્ટમાંથી કોઇ રાહત નહી મેળવી શકનાર હાર્દિક પટેલનું લોકસભા ચૂંટણી લડવાનું સપનું રોળાઇ ગયું છે અને હવે આ ચૂંટણીમાં તેણે માત્ર કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે તેની ભૂમિકા સીમિત કરી દેવી પડશે. બીજીબાજુ, હાર્દિકનું લોકસભા ચૂંટણી લડવાનું પિક્ચર પૂરું થઇ જતાં પાટીદાર સમાજમાં ખાસ કરીને તેના સમર્થકો અને ટેકેદારોમાં ભારે નિરાશાની લાગણી ફેલાઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલે જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પરંતુ ચૂંટણી લડવા માટે વીસનગરની કોર્ટે કરેલી બે વર્ષની સજા આડીખીલી સમાન હતી. હાર્દિક પટેલે ટ્રાયલ કોર્ટના સજાના આ હુકમ અને ખાસ કરીને તેને દોષિત ઠરાવતા હુકમ સામે સ્ટે માંગ્યો હતો પરંતુ તેને હાઇકોર્ટે કોઇ રાહત આપી ન હતી અને તેની સ્ટે માંગતી અરજી ફગાવી દીધી હતી. જેને પગલે તા.૨જી એપ્રિલે હાર્દિકે સુપ્રીમકોર્ટમાં પિટિશન કરી હતી. જા કે, સુપ્રીમકોર્ટે હાર્દિકની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સાફ ઇન્કાર કરી દઇ તેના કેસની વધુ સુનાવણી તા.૪થી એપ્રિલ પર મુકરર કરી હતી. હવે તા.૪થી એપ્રિલે તો, આજે ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હોઇ હાર્દિકની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું કે, જયારે આજે સુપ્રીમકોર્ટમાં કોઇ સુનાવણી જ હાથ ધરી શકાઇ નહી. બીજીબાજુ, હાર્દિકનો મામલો કોર્ટમાં હોઇ કોંગ્રેસ હાઇકમાન્ડે જામનગર બેઠક માટે મૂળુભાઇ કંડોરિયાની જાહેરાત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે વીસનગર ખાતે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને વીસનગર કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને તેના સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફટકારી હતી. આ મામલો વર્ષ ૨૦૧૫ જુલાઈમાં બન્યો હતો.