“ કર્મબ્રહ્મોદ્ભભવમ વિધ્ધિ બ્રહ્મ અક્ષરસમુદ્ભવમ ˡˡ
તસ્માત સર્વગતમ્ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ ˡˡ ૩/૧૫ ˡˡ
અર્થ –
“ પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલા છે, આથી એમ જ સમજવું કે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત / સ્થાપિત છે. “
સમગ્ર સૃષ્ટિના સર્જક બ્રહ્મા છે. બ્રહ્મા એટલે કોણ ? આપણા ગ્રંથો મુજબ એ સૃષ્ટિના સર્જક હોવાથી એ સૌના પિતા છે. બ્રહ્મા એટલે જ પિતા પરમેશ્વર. જીવ માત્ર જે કર્મ કરે છે તે આ પરમેશ્વરની પ્રેરણાથી જ કરે છે. યજ્ઞના બે અર્થ કરવાના છે. એક શાબ્દિક યજ્ઞ એટલે જેમાં હોમ હવન મંત્રોચ્ચાર અને પૂજા વગેરે સમાવિષ્ટ છે જ્યારે બીજો અર્થ વિશાળ છે. એ અર્થ મુજબ સમગ્ર સૃષ્ટિમાં જે કંઇ થઇ રહ્યું છે તે પણ એક યજ્ઞ છે. સૃષ્ટિની જીવંતતા પરમ તત્ત્વ એવા પરમેશ્વર ને જ આભારી છે. એ જે ચેતન તત્ત્વ છે, શક્તિ છે તે જ આ જગતને ખીલવે છે, જીવાડે છે. આમ સૃષ્ટિનું બ્રહ્મતત્વ, બ્રહ્મા, પરમેશ્વર, અક્ષર સ્વરૂપ ચેતન આ બધા જૂદા જૂદા શબ્દોના પર્યાયવાચક જ છે તેથી તે ઇશ્વરમાં વિલીન થઇ જાય છે. ટૂંકમાં સમગ્ર જગતના કર્તા હર્તા સંચાલક એ પરમેશ્વર જ છે. તમે અને હું જે કરી રહ્યા છીએ તે પણ પરમેશ્વર ને આધીન છે. હું જે લખું છું તેને લખાવનાર તે જ છે, તમારામાં રહીને વાંચનાર તે પોતે જ છે. વાંચન દ્વારા તમારા મનમાં નવા પ્રશ્નો, વિચારો કે સંકલ્પ પ્રગટાવનાર પણ પરમેશ્વર જ છે. એટલે જ વારંવાર કહેવામાં આવે છે કે તમે જે કંઇ કરો છો તે ઈશ્વરને જ અર્પિત કરવા માટે જ કરો તો તે ઉત્તમ રીતે જ થશે.
અસ્તુ.
- અનંત પટેલ