અમદાવાદ : આમ તો શહેરમાં ૪૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વપરાશ પર મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકર્તાઓ અને ઉત્પાદકો સામે અગાઉ ઉગ્ર ઝુંબેશ હાથ ધરાઇ હતી, જોકે આરંભે શૂરાની જેમ તંત્રની કામગીરીથી શહેરમાં ફરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ વધતાં સત્તાવાળાઓમાં દોડધામ વધી છે. દરમ્યાન આગામી દિવસોમાં તમામ મ્યુનિસિપલ કચેરીઓમાં પ્લાસ્ટિકના વપરાશ પર પૂરેપૂરો પ્રતિબંધ મુકાય તે દિશામાં હિલચાલ આરંભાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.પ જૂન, ર૦૧૮ના વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિકના પાણીનાં પાઉચ, ચાના કપ, ઝભલાં થેલી, પાન-મસાલાનાં રેપર જેવા ૪૦ માઇક્રોઇનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો હતો. તે વખતે તંત્ર દ્વારા શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ખાસ અભિયાન હાથ ધરીને ફક્ત એક મહિનામાં ૧૦ હજાર કિલો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરાયો હતો તેમજ આ મામલે રૂ.૯૦ લાખની પેનલ્ટી વસૂલાઇ હતી.
સત્તાધીશોએ ૧૬૪ જેટલા વેચાણ અને ઉત્પાદન સાથે સંકળાયેલા યુનિટને તાળાં મારીને આ પ્રકારના પ્લાસ્ટિકના ધંધાર્થીઓમાં ગભરાટ ફેલાવ્યો હતો. પ્રતિબંધિત પ્લા?સ્ટિક સામેની પ્રારંભની ઝુંબેશ અસરકારક રહેતાં આ ધંધાર્થીઓએ કાગળ અથવા કપડાની થેલીઓનું વેચાણ-ઉત્પાદન શરૂ કર્યું હતું. દરમિયાન ચોમાસામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશથી ગટરલાઇન ચોકઅપ થતી હોઇ હવે વહીવટીતંત્રે નવેસરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે અભિયાન છેડ્યું છે.
આ દરમ્યાન શહેરભરની તમામ મ્યુનિસિપલ કચેરીઓમાં તમામ પ્રકારની ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક બોટલ, કપ-પ્લેટ સહિતની વસ્તુઓ પર પૂરેપૂરો પ્રતિબંધ લાદવાની દિશામાં ચક્રો ગતિમાન થયાં છે. દિલ્હી કોર્પોરેશનની જેમ અમદાવાદ કોર્પોરેશનની માલિકી અથવા સંચાલિત તમામ મિલકતોમાં આગામી દિવસોમાં પ્લાસ્ટિક અદૃશ્ય થઇ જશે તેવી શક્યતા છે. અમ્યુકો સત્તાવાળાઓ પ્લાસ્ટિક પર પ્રતિબંધની અમલવારી માટે કડકાઇથી અને પરિણામલક્ષી કાર્યવાહી કરશે તે નક્કી છે.