બનિહાલ : જમ્મુ કાશ્મીરના બનિહાલમાં સીઆરપીએફના કાફલાની પાસે થયેલા કાર બ્લાસ્ટ મામલામાં એક મોટા ત્રાસવાદી કાવતરાનો ખુલાસો થયો છે. આ વખતે પણ ત્રાસવાદીઓએ સીઆરપીએફના જવાનો પર પુલવામા જેમ હુમલો કરવા માટે ઇચ્છુક હતા. આ હુમલાને અંજામ આપવા માટે આકાઓએ એક ત્રાસવાદીને કારની સાથે મોકલ્યો હતો. જે શખ્સે સીઆરપીએફના કાફલાની પાસે બ્લાસ્ટ કર્યો હતો.
આ ઘટનામાં મુખ્ય અપરાધી અને ત્રાસવાદીને પોલીસે હુમલાના ૩૬ કલાકની અંદર જ પકડી પાડ્યો છે. આ ઝડપાયેલા ત્રાસવાદી દ્વારા કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. બનિહાલમાં શનિવારના દિવસે કરવામાં આવેલા બ્લાસ્ટના મામલે પોલીસે આરોપી શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે કહ્યુ છે કે પુલવામા હુમલાની જેમ હુમલો કરવાની યોજના હતી. ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ છે કે જે કારમાં બ્લાસ્ટ થયો હતો તેના ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ડ્રાઇવરે પકડાઇ ગયા બાદ ત્રાસવાદી કનેક્શન હોવાની વાત સ્વીકાર કરી લીધી છે. પોલીસની શરૂઆતની પુછપરછમાં ત્રાસવાદી દ્વારા કબુલાત કરતા કહેવામાં આવ્યુ છે કે આકાઓએ ફોન પર આ શખ્સને કાફલાની નજીક જઇને બટન દબાવી દેવા માટે કહ્યુ હતુ. તે એકલો જ કાર ચલાવી રહ્યો હતો. આરોપી શખ્સે કહ્યુછે કે બ્લાસ્ટ કર્યા બાદ તે ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. હેન્ડલર્સ દ્વારા કાફલાને ઉંડાવી દેવા માટે આ શખ્સને આદેશ કર્યો હતો. શનિવારના દિવસે બનિહાલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સીઆરપીએફની ગાડીને નુકસાન થયુ હતુ. આ ઘટના બાદ પોલીસે ત્રાસવાદી કનેક્શનના મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે શોપિયન નિવાસી ત્રાસવાદીની મોડેથી ધરપકડ કરી હતી.પોલીસને બ્લાસ્ટના સ્થળ પરથી જંગી માત્રામાં વિસ્ફોટકો મળ્યા હતા.